ગત મોડી રાત્રે ક્રિષ્ના વોટર પાર્કમાં એસઓજીના નિવૃત્ત એએસઆઇની બર્થડે પાર્ટીમાં ૮ પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આ દારૂ પાર્ટી બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. આજે વહેલી સવારથી પોલીસની ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ધોંસ બોલાવી હતી. જેમાં ૩ હજાર લિટર દેશી દારૂ અને આથાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.
શહેરના કુબલિયાપરામાં ઠેર ઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ આવેલી છે અને બુટલેગરો રોજ હજારો લિટર દેશી દારૂ બનાવી વહેંચે છે. કુવાડવા પોલીસ સ્ટેશનની દીવાલ પાછળ ૧૦૦ મીટરના અંતરે જ દેશી દારૂ વેચવામાં આવે છે. અહીં હક્કાભાઇ અને માવુબેન દારૂની ભઠ્ઠી ચલાવે છે. રોજનો હજારો લિટર દેશી દારૂ વહેંચે છે. પોલીસ અહીં ચેકિંગ કરવા આવતી ન હોવાનો સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.
પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા કુબલિયાપરામાંથી રાધાબેન બચુભાઇ મકવાણા અને કરણભાઇ કિશોરભાઇ સોલંકીની ધરપકડ કરી છે. તેમજ તેઓ પાસેથી દેશી દારૂનો આથો ૩૦૦૦ લિટર, દેશી દારૂ ૧૦ લિટર અને ભઠ્ઠીના સાધનો સહિત ૬૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.