ક્રિકેટના દિગ્ગજ સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ભારતમાં રમતને સસ્તી બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે ભારતમાં સ્કૂલના અભ્યાસક્રમમાં રમત જરૂરી છે. તે સાથે જ બાળકોએ રમતને કરિયરના વિકલ્પ તરીકે જોવાની જરૂર છે. ગાવસ્કરે કહ્યું કે, ભારત માટે તેની આબાદી સૌથી સકારાત્મક પક્ષ છે કારણકે આટલી આબાદીમાં ચેમ્પિયન્સ શોધવા અઘરા નથી. જરૂરી નથી કે તે ગોલ્ડ મેડાલિસ્ટ જ હોય.
બેંગ્લુરુમાં ’મેકિંગ સ્પોટ્ર્સ ઈન ઇન્ડિયા’ કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન ગાવસ્કરે કહ્યું કે, સ્કૂલમાં અભ્યાસક્રમમાં રમતનો સમાવેશ થવો જોઈએ. તેમજ ભણતી વખતે ખેલાડીઓને ભથ્થું આપવું જોઈએ. જો રમતને રોજગારના રૂપે જોવામાં આવશે તો બાળકો અને માતા-પિતા સ્પોટ્ર્સમાં જોડાશે. જો માતા-પિતા રમતમાં રોજગારની તક વિશે સમજશે તો બાળકોને ભાગ લેતા રોકશે નહીં.
ગાવસ્કરે કહ્યું કે, ભારતમાં ક્રિકેટ આગળ વધુ કારણકે લોકો તેને કરિયરના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. તેથી જ તમારે આઇપીએલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ સુધી રમવાની જરૂર નથી. તમે ખાલી રણજી રમો છો તો તમારી પાસે સારું રોજગાર છે. તમે કોઈ કોર્પોરેટ અથવા એરલાઇન્સ અથવા રેલવે જેવી સરકારી કંપનીઓ માટે રમીને વધુ પૈસા કમાઈ શકો છો.