મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે આજે નવો ઇતિહાસ અને નવી કેમિસ્ટ્રી બનતા જોઇ શકીએ છીએ. એનઆરજીના આ એનર્જી ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલી સિનર્જીની સાક્ષી છે. હાઉડી મોદીનો જવાબ મોદીએ બંગાળી, ગુજરાતી,પંજાબી સહિતની ભાષામાં આપ્યો હતો. બધામાં એક જ જવાબ હતો, કે ભારતમાં બધું સારું છે. વિવિધતામાં એકતા એ આપણી વિશેષતા છે, તે ભારતની વાયબ્રન્ટ લોકતંત્રનો આધાર છે. ભારતના લોકતંત્રના ઈતિહાસમાં સૌથી વધારે મહિલા મતદારોએ આ વખતે વોટ નાખ્યો છે. ૬૦ વર્ષમાં પહેલી વખત ભારતમાં એવું બન્યું કે પૂર્ણ બહુમત વાળી સરકાર તેનો પ્રથમ કાર્યકાળ પૂરો કરીને ફરી વધારે સીટ લઇને પાછી આવી. આજનો પ્રચલિત નારો છે સંકલ્પથી સિદ્ધી. અને ભારતનો સૌથી મોટો સંકલ્પ ન્યુ ઈન્ડિયાનો છે.આ સપનાને પૂરું કરવા માટે કોઇ બીજાથી નહીં, પરંતુ પોતાનાથી મુકાબલો કરી રહ્યા છીએ. જો પુરી દુનિયામાં ક્યાંય સૌથી ઓછી કિંમતમાં ડેટા ઉપલબ્ધ હોય તો તે દેશ ભારત છે. આજે ભારતમાં ૧ જીબી ડેટાની કિંમત ૩૦ સેન્ટની આસપાસ છે. એક જીબી ડેટાની વર્લ્ડ એવરેજ કિંમત તેનાથી ૩૦ ગણી વધારે છે. આ સસ્તો ડેટા ભારતમાં ડિજીટલ ઇન્ડિયાની નવી ઓળખ બની રહ્યું છે. એક સમય હતો જ્યારે ટેક્સ રિટર્ન ભરવો મોટો માથાનો દુખાવો હતો. માત્ર એક દિવસમાંજ ૫૦ લાખ લોકોએ રિટર્ન ભર્યું છે. હ્યૂસ્ટનની કુલ જનસંખ્યાથી ડબલ લોકોએ એક દિવસમાં રિટર્ન ભર્યું છે. અમે જેટલું મહત્વ વેલફેરને આપ્યું છે એટલું જ ફેરવેલને આપી રહ્યા છીએ. ભારત મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસે ઓપન ડેફિકેશનને ફેરવેલ આપી દેશે જૂના કાયદાઓને પણ ભારત ફેરવેલ આપી ચૂક્યું છે. બધા ટેક્સને ફેરવેલ આપી એક જીએસટી લાગૂ કર્યો, વન નેશન વન ટેક્સ લાગૂ કર્યો. દેશ સામે ૭૦ વર્ષથી એક મોટો પડકાર હતો જેને અમુક દિવસ પહેલા ભારતે ફેરવેલ આપી દીધી છે. આ વિષય આર્ટિકલ ૩૭૦નો છે. ૩૭૦એ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારીથી વંચિત રાખ્યા. તેનો લાભ આતંકવાદ અને અલગાવવાદ વધારતી તાકાતો ઉઠાવી રહી હતી. રાજ્યસભામાં બહુમતિ નથી છતાંય બન્ને સદનોએ બહુમતથી આ નિર્ણય પાસ કર્યો છે. ભારત જે કરે છે તેનાથી એવા લોકોને પણ તકલીફ થઇ રહી છે જેમનાથી પોતાનો દેશ સંભાળી શકાતો નથી. આ લોકોએ ભારત પ્રત્યે નફરતને જ પોતાના રાજકારણનું કેન્દ્ર બનાવી લીધું છે. તેઓ આતંકના સમર્થક છે, અશાંતિ ફેલાવનારા છે અને આતંકને પોષણ આપે છે. તેમની ઓળખ માત્ર તમે નહિં, સમગ્ર વિશ્વ સારી રીતે જાણે છે. અમેરિકામાં ૯/૧૧ હોય કે મુંબઈમાં ૨૬/૧૧ હોય, તેના ષડયંત્ર કરનારા કઇ જગ્યાએ મોજૂદ છે. હવે સમય છે કે આતંકવાદ વિરુદ્ધ કે તેમને પોષણ આપનારાઓ સામે નિર્ણાયક લડાઇ લડવામાં આવે. હું ભાર દઇને કહેવા માગીશ કે આ લડાઇમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ આતંકવાદ વિરુદ્ધ ઉભા છે. વો જો મુશ્કિલોં કા અંબાર હૈ, વહી તો મેરે હોંસલો કી મિનાર હૈ. અમે પડકારોને ટાળતા નથી, ભારત પડકાર સામે બાથ ભીડે છે. અમે સમસ્યાઓના પૂર્ણ સમાધાન પર જોર આપી રહ્યા છીએ. તમે સૌ વતનથી દૂર છો, પણ દેશની સરકાર તમારાથી દૂર નથી.