રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ તા.૨૧મી ઓકટોબરના રોજ જ યોજાશે. જે ત્રણ બેઠકોની જાહેરાત બાકી હતી તે પૈકી કેન્દ્રીય ચૂંટણી પંચે આજે વધુ બે વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. હવે માત્ર મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર કરવાની બાકી રહી છે. આજરોજ જાહેર કરાયેલી રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ પણ તા.૨૪મી ઓકટોબરના રોજ જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણીપંચે ગઇકાલે ગુજરાત વિધાનસભાની અમરાઈવાડી, ખેરાલુ, થરાદ, લુણાવાડા વિધાનસભા બેઠક એમ કુલ ચાર બેઠકોની પેટાચૂંટણીની તારીખ અંગેની મહત્વની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતમાં તા.૨૧ ઓક્ટોબરે આ ચાર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. આ ચારેય બેઠકોની ચૂંટણીનું પરિણામ તા.૨૪મી ઓકટોબરે જાહેર થશે. આ ચારેય બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી ૩૦ સપ્ટેમ્બર છે. ઉમેદવારી ચકાસણીની તારીખ તા.૧લી ઓકટોબર છે. જ્યારે તા.૩ ઓક્ટોબર સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે. ગઇકાલે ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની તારીખો જાહેર કર્યા બાદ આજે કેન્દ્રીય ચૂંટણી પંચે વધુ બે વિધાનસભા બેઠકો બાયડ અને રાધનપુરની ચૂંટણીની તારીખોની સત્તાવાર જાહેરાત કરી હતી,
જે મુજબ, આ બંને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ અગાઉની અમરાઈવાડી, ખેરાલુ, થરાદ, લુણાવાડા એમ ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની તારીખના દિવસે જ એટલે કે, તા.૨૧મી ઓકટોબરે જ પેટાચૂંટણી યોજાશે. હવે માત્ર મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખ જ જાહેર થવાની બાકી છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યોનો વિજય થતાં અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠક ખાલી થઈ છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ૨૬ સાંસદોમાંથી ચાર ધારાસભ્યો સાંસદ બનતાં અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડાની બેઠકો ખાલી પડી હતી. જ્યારે લુણાવાડા બેઠક પરથી ધારાસભ્ય બનેલા રતનસિંહ રાઠોડને ભાજપે લોકસભા ૨૦૧૯માં પંચમહાલ બેઠકની ટિકિટ આપી હતી. જેમાં તેમનો વિજય થતા તેમણે ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું હતું. તેમજ સાંસદ બનતા હસમુખ પટેલે અમરાઈવાડી બેઠક પરથી અને ભરતસિંહ ડાભીએ ખેરાલુ બેઠક પરથી જ્યારે થરાદ બેઠક પરથી પરબત પટેલે રાજીનામાં આપ્યા હતા.
આમ, રાજયની કુલ સાત વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પૈકીની છ બેઠકોને જાહેરાત થઇ ચૂકી છે અને હવે એક જ બેઠકની તારીખ જાહેર થવાની બાકી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સત્તા મેળવવા ચૂંટણી રણનીતિ ઘડવામાં જોતરાયા છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ આચારસંહિતા સંબંધિત જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે અમલી બની ગઈ છે. ચૂંટણી પંચે પેટાચૂંટણીમાં તમામ મતદાન મથકોમાં ઇવીએમ અને વીવીપેટ મારફતે જ મતદાનનો નિર્ણય કર્યો છે. પુરતી સંખ્યામાં ઇવીએમ અને વીવીપેટ ઉપલબ્ધ હોવાનો દાવો પણ કરાયો છે.