સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો સામે પાલિકા દ્વારા ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વોર્ડ નંબર-૯ની કચેરી દ્વારા વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતી દુકાનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન દુકાનદારો દ્વારા ગ્રાહકોને આપવા માટે ઉપયોગમાં લેવાતી ૫૦ માઇક્રોનથી નીચેના ઝભલા, પ્લાસ્ટિક કપ, જ્યુસ કપ, સ્ટ્રો સહિતનું મટીરિયલ જપ્ત કરવામાં આવ્યું છે.
વોર્ડ નંબર-૯ના વોર્ડ ઓફિસર રીતેષ સોલંકીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા દુકાનદારો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે વોર્ડ નંબર-૯ની કચેરીની ટીમો દ્વારા આજવા રોડ સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. બે દિવસમાં વિવિધ દુકાનોમાં ચેકિંગ કરીને જ્યુસ કપ, ચાના કપ, સ્ટ્રો, થર્મોકોલ કપ અને ૫૦ માઇક્રોનથી નીચેના ઝભલા મળી આશરે ૫૦ કિલો ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે.