ભારતીય શટલર પીવી સિંધુ બુધવારે કોરિયા ઓપનના પહેલા રાઉન્ડમાં જ બહાર થઇ હતી. સિંધુને અમેરિકાની ઝેંગ બેઈવેને હરાવી હતી. ઝેગે આ મેચ ૭-૨૧, ૨૪-૨૨, ૨૧-૧૫થી પોતાના નામે કરી હતી. બીજી તરફ સાઈના નહેવાલ પણ પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ હતી. નહેવાલની મેચ કોરિયાની કિમ ગે સામે હતી. તે પ્રથમ ગેમ ૨૧-૧૯થી જીત્યા બાદ બીજી ગેમ ૧૮-૨૧થી હારી ગઈ હતી, અને રિટાયર્ડ હર્ટ થઇ ત્યારે અંતિમ ગેમમાં ૧-૮થી પાછળ હતી.
સિંધુએ બેઈવન વિરુદ્ધ પ્રથમ ગેમ ૨૧-૭થી પોતાના નામે કરી હતી. પહેલી ગેમ સરળતાથી જીત્યા પછી એવું લાગતું હતું કે સિંધુ બીજી ગેમ જીતીને મેચ પોતાના નામે કરી લેશે. પરંતુ બેઈવેને જોરદાર વાપસી કરી હતી. તેણે બીજી ગેમ ૨૪-૨૨થી જીતી હતી. ત્રીજી ગેમમાં મેચ ૧-૧ની બરોબરી પર હતી ત્યારે બંને ખેલાડીઓએ સતત સારું પ્રદર્શન કર્યું હતું, જોકે અંતે અમેરિકનના નેટ પ્લે સામે સિંધુનો પરાજય થયો હતો. તેણે અંતિમ ગેમ ૧૫-૨૧થી ગુમાવી હતી.
૨૭ વર્ષીય સિંધુ ગયા અઠવાડિયે ચાઈના ઓપનના ક્વાર્ટફાઇનલમાં પણ હારી હતી. તેને વર્લ્ડ નંબર-૯ ઇન્ડોનેશિયાના એંથોની સિનિસુકાએ હરાવી હતી. સિંધુએ ગયા મહિને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે આ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય શટલર બની હતી.