ગુજરાત રાજયના નવા પોલીસ મહાનિર્દેશક તરીકેનો હોદ્દો સંભાળતાની સાથે જ ડીજીપી શિવાનંદ ઝાએ પોલીસ તંત્રમાં મહત્વના અને અસરકારક નિર્ણયો લઇ ચર્ચા જગાવી છે.
નવા ડીજીપીએ આજે વધુ એક મહત્વના નિર્ણય મારફતે, રાજયની તમામ પોલીસ માટે હવે પીટી પરેડ અને સેરીમોનીયલ પરેડ ફરજિયાત બનાવી છે.
રાજયના નવા પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ આજે મહત્વનો આદેશ જારી કરી રાજયમાં તમામ પોલીસ કર્મચારી માટે દર સોમવારે પીટી પરેડ અને દર શુક્રવારે સેરીમોનીયલ પરેડ ફરજિયાત કરવાનું ફરમાન જારી કર્યું છે. ડીજીપીએ પોલીસ માટે ફરજિયાત કરાયેલી આ પીટી પરેડ અને સેરીમોનીયલ પરેડનું મોનીટરીંગ કરવાની જવાબદારી શહેરોમાં ડીસીપી કક્ષાના અધિકારીને સોંપી છે. જયારે જિલ્લાઓમાં ડીએસપી કક્ષાના અધિકારીને આ જવાબદારી સોંપી છે. સાથે સાથે દરેક પરેડ અંગેનો રિપોર્ટ સ્ટેટ કંટ્રોલ રૂમને સુપ્રત કરવાનો રહેશે. ડીજીપી દ્વારા સ્પષ્ટ તાકીદ કરાઇ છે કે, પરેડના નવા નિયમનું તમામ પોલીસ જવાનોએ ચુસ્તતાથી પાલન કરવાનું રહેશે.
જો તેમાં ચૂક દાખવાશે તો, શિક્ષાત્મક કાર્યવાહી અને પગલાની ચીમકી પણ ઉચ્ચારાઇ છે. ડીજીપીએ એ મુદ્દે પણ સ્પષ્ટ તાકીદ કરી છે કે, હવેથી કોઇપણ પોલીસ કર્મચારી વાજબી કારણ વિના ફરજ પરથી ગેરહાજર રહી શકશે નહી. ડીજીપીના નવા આદેશોને પગલે રાજય પોલીસતંત્રમાં ભારે ચકચાર મચી ગઇ હતી, પોલીસ બેડામાં પરેડ સહિતના નવા આદેશોને લઇ જોરદાર ચર્ચા ચાલી હતી. દરમ્યાન નવા ડીજીપી શિવાનંદ ઝાએ રાજયની પોલીસ લાઇનના જે કંઇ પ્રશ્નો કે સમસ્યાઓ હોય તેનું તાકીદે નિરાકરણ લાવવાની દિશામાં પણ કવાયત હાથ ધરી છે અને આ માટે પોલીસ લાઇનના પ્રશ્નો મંગાવ્યા છે. જેની પર આગામી દિવસોમાં જરૂરી નિર્ણયો લઇ કાર્યવાહી કરાશે.