સુરત શહેરમાં રસ્તા પર રખડતાં ઢોરના ત્રાસથી લોકો પરેશાન થયા છે ત્યારે પાલિકાની ઢોર પાર્ટી દ્વારા ગઈકાલે પશુ પકડ્યા હતાં. પશુ પકડ્યાં બાદ પશુના માલિકો દ્વારા પાલિકાના સ્ટાફ પર હુમલો કરીને પશુ છોડાવી જવાયા હાતં. ત્યારે પાલિકા દ્વારા કડક હાથે કામ લેતા પોલીસ બંદોબસ્ત સાથે ૪૫ ગાયો પકડવામાં આવી હતી.
પાલિકા દ્વારા રખડતાં પશુઓ માટે કુખ્યાત વિસ્તારમાં ઘનિષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કતારગામ વિસ્તારમાં માર્કેટ વિભાગના તમામ સ્ટાફ અને કતારગામ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં પાલિકાની ટીમે ૪૫ જેટલી ગાયોને ડબ્બામાં પુરી હતી. જે માલિકો છોડાવવા આવશે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને રખડતા ઢોરોને પકડવાની કામગીરીને વધુ સઘન બનાવવામાં આવશે તેમ પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું.