ગુજરાતમાં ૯,૩૯૮ લોકોએ સોલાર રૂફટોપ માટે નોંધણી

928

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ આજે વડોદરાની મુલાકાતે હતા. જ્યાં તેમણે રોજગાર મેળાનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની સૂર્ય યોજના હેઠળ વડોદરા શહેરના ૧૮૪૫ સહિત મધ્ય ગુજરાતના ૨૬૬૮ લોકોએ પોતાના ઘર ઉપર સોલાર લગાવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં ૯૩૯૮ લોકોએ સોલાર રૂફટોપ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ઉર્જામંત્રીએ દરેક વ્યકિતને સરકારની આ આકર્ષક અને લાભકારી યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની ચાર પ્રકારની યોજનાઓ દ્વારા માર્ચ-૨૦૨૨ સુધીમાં રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો દ્વારા ૩૦ હજાર મેગાવોટ વીજ ઉત્પાદન કરવાની ક્ષમતા કરાશે. સરકારની આ યોજનામાં ગુજરાત વડોદરામાં સૌથી વધુ સોલાર રૂફટોપ માટે રજિસ્ટ્રેશન થયા છે. દરેક વ્યક્તિએ સરકારની આ યોજનાનો લાભ લેવો જોઇએ. સરકાર દ્વારા આ યોજના અંતર્ગત વીજ બચત કરનાર ગ્રાહક પાસેથી નિર્ધારિત રૂપિયા ૨.૬૫ પ્રમાણે વીજળી પણ ખરીદશે. સોલાર રૂફટોપ યોજના ગુજરાતના દરેક ઘર સુધી લઇ જવાનું સરકારનું લક્ષ્યાંક છે.

દેશના અર્થતંત્ર અંગે ઉર્જા મંત્રીએ જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા દેશના અર્થતંત્ર માટે લીધેલા ઐતિહાસિક નિર્ણયોથી દેશનું અર્થતંત્ર ધબકતું થઇ ગયું છે. આગામી સમયમાં આવનારા નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ૧૫ ટકા સ્લેબ કરી દેવામાં આવ્યો છે. નવા ઉદ્યોગો આવવાથી રોજગારી પણ વધશે. તેની સાથોસાથે દેશના અર્થતંત્રમાં પણ સુધારો થશે. દેશના અર્થતંત્રની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇ રેગ્યુલર નાના ઉદ્યોગકારો લોન ભરપાઇ કરી શકતા ન હોય તેવા ખાતેદારોના ખાતા એન.પી.એ. ન કરવા પણ સરકાર દ્વારા બેંકોને સૂચના આપી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં દેશમાં નવી કંપનીઓ રોકાણ માટે આવી રહી છે ત્યારે રાજય સરકાર દ્વારા આ દિશામાં રોડ મેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેથી નવી આવનાર કંપનીઓને જમીન ખરીદીથી લઇને યુનિટ ચાલુ થતાં સુધીમાં કોઇ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. નાણાં મંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતોથી દેશના અર્થતંત્રને ફાયદો થશે એવો આશાવાદ ઉર્જામંત્રીએ વ્યકત કર્યો હતો.

Previous articleનવલા નવરાત્રિ નિમિત્તે ચણિયાચોળી બજારમાં તેજી
Next articleનવરાત્રીનાં રંગમાં ભંગ પડશે… ૩ ઓક્ટોબર સુધી વરસાદનું જોર યથાવત રહેશે