મુંબઈના અનમોલ ગ્રૂપના ટહુકે ભાવ.ની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો

510

મુંબઈ નિવાસી કીર્તિભાઈ શાહના વડપણ નીચે કાર્યરત અનમોલ ગ્રૂપના સભ્યોએ વર્ષ ૨૦૧૮ માં ઓગસ્ટ માસના પ્રથમ રવિવાર તારીખ ૦૫-૦૮-૨૦૧૮ ના રોજ ફ્રેન્ડશિપ દિવસની ઉજવણી અનોખી રીતે કરવા ભાવનગરની આઝાદી પૂર્વે ૧૯૩૨ માં સ્થપાયેલી શિક્ષણના દીપ વડે ઝળહળતી વર્ષોથી કાર્યરત ગુજરાતની આભૂષણ સમી સિદ્ધિ પ્રાપ્ત શાળાની મુલાકાત લીધી હતી. અનમોલ ગ્રૂપના યુવાનોએ તદ્દન નવો ચિલો ચાતરી ૧૫૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે વિશ્વ ફ્રેંડશિપ દિવસની અનોખી રીતે ઉજવણી કરી,બાળકોની સુષુપ્ત શક્તિઓનો પરિચય મેળવ્યો હતો. બાહ્ય જગતને ચર્મચક્ષુ વડે જોવાની જેમણે દ્રષ્ટિ ગુમાવી છે, તેવા આ બાળકોની અન્ય ઇન્દ્રિયોના કૌશલ્ય વિકાસથી પ્રભાવિત થઈ, મુંબઈના કર્મનિષ્ઠ અનમોલ ગ્રૂપના યુવા વર્ગે શાળાના તમામ પ્રજ્ઞાચક્ષુ બાળકોને મુબઈના આંગણે વાજતે-ગાજતે પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું. દેશની આર્થિક રાજધાની ગણાતા નગરમાં પ્રજ્ઞાચક્ષુ લોકોને આમંત્રિત કરી પોતાની શક્તિઓ પ્રદર્શિત કરવા મોકો આપી, મુંબઈ નગરીના યુવાનોએ ખરી મિત્રતા નિભાવી છે. અનમોલ ગ્રૂપના આમંત્રણને માન આપી, કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળાના જનરલ સેક્રેટરી  લાભુભાઈ સોનાણીના વડપણ નીચે મુંબઈ મુકામે તારીખ ૨૫ થી ૨૭ સપ્ટેમ્બર બુધ,ગુરુ અને શુક્રવારના રોજ ત્રણ દિવસ માટે ૨૦૦ થી વધુ લોકોની મોટી ટીમ ભાવનગરથી મુંબઈ ગઈ છે. આ દિવસો દરમિયાન બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ અને મુંબઈદર્શનના કાર્યક્રમોમાં જોડાયા છે. જેમાં તારીખ ૨૫-૦૯-૨૦૧૯ નાં બુધવારનાં રોજ મુંબઈ ના જાણીતા “ પ્રબોધન ઠાકરે નાટ્યમંદિર ” બોરીવલી, મુંબઈ ખાતે મહાનુભાવો  કાન્તીભાઈ શાહ,  કિરીટભાઈ શાહ,  જે.જે.રાવલ, ભરતભાઈ મથુર્યા , કિર્તીભાઈ શાહ,  સુભાષભાઈ શાહ,ભરતભાઈ શાહ (દેવગાણા વાળા) તેમજ શ્રી લાભુભાઈ સોનાણી નાં વરદ હસ્તે  દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો , જેમાં  શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળા નાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ડ્રામા, માઈમ , ફ્યુઝન ડાન્સ , ફેશન શો, નવા તથા જુના ફિલ્મી ગીતો જેવી અનેક કૃતિઓ મુંબઈના પ્રતિષ્ઠિત નાગરિકો સમક્ષ પ્રસ્તુત કરી હતી. અને  ભાગ્યેશ વારાએ સુંદર લોકગીતોની રમઝટ બોલાવી હતી  જે જોઈ લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણી એ શાળાના વિઝન અને મિશન વિશેની વાત રજુ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મુંબઈનાં શ્રી ક્રીતીભાઈ શાહ ના નેતૃત્વ હેઠળ અનમોલ ગ્રુપે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleગારિયાધાર ખાતે પંડિત દિન દયાળ જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
Next articleનંદકુંવરબા મહિલા કોલેજમાં ફિએસ્ટા ફેસ્ટીવલનો રંગારંગ પ્રારંભ