પ્રસૂતા મોત કેસઃ ડોક્ટર અને આસિસટન્ટ વિરુદ્ધ સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો

504

લાલ દરવાજા વિસ્તારની અપૂર્વ હોસ્પિટલમાં પ્રસૂતાના મોતના પ્રકરણમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મહિલા ડોક્ટર અને આસિસટન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પરિવારજનો દ્વારા છેલ્લા બે દિવસથી ધરણા કરી ન્યાયની માંગ કરી રહ્યા હતા. દરમિયાન મોડી રાત્રે પોલીસે ગુનો નોંધતા શુક્રવાર સવારે પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. પોલીસ ફરિયાદમાં નોંધાવ્યા પ્રમાણે, કાપોદ્રા ખાતે આવેલી કમલપાર્ક સોસાયટીમાં દયાબેન મયુરભાઈ કેવડિયા (ઉ.વ.૩૩) પરિવાર સાથે રહેતા હતા. ગર્ભવતી દયાબેનને ગત ૨૪મીના રોજ પ્રસૂતિની પીડા થતા સવારે ૧૧.૩૦ કલાકે મહિધરપુરાની અપૂર્વ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે, સાંજે ૬ વાગ્યા સુધી ડોક્ટર શીલા શાહે નોર્મલ ડિલિવરી થશે એમ કહીં દાખલ રાખ્યા હતા. ત્યારબાદ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. લગભગ ૫ મિનિટમાં જ સિઝર કરવું પડશે એમ કહીં ફોર્મ પર સહી કરાવી લીધી હતી. સિઝર બાદ બાળકીનો જન્મ થયો હતો. બાળકીના જન્મ બાદ દયાબેનને ઓક્સિજન પર રાખવા પડશે હોવાનું કહીં બાજુની હોસ્પિટલમાં ખસેડવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ દયાબેનની તબિયત બાબતે કંઈ પણ કહ્યા વગર ૧૦ બોટલ લોહી મંગાવી લીધું હતું અને કહ્યું હતું કે સિઝરમાં લોહી વધુ વહી ગયું છે. ૧ કલાક બાદ મહાવીર હોસ્પિટલની એમ્બ્યુલન્સ આવીને ગંભીર હાલતમાં દયાબેનને ખસેડવાની તૈયારી શરૂ કરી દીધી હતી. હોસ્પિટલમાંથી નીચે ઉતારતા જ દયાબેનનું શરીર ઠંડુ પડી ગયું હોવાનું જણાયું હતું. ત્યારબાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં દયાબેન પર પમ્પીંગ કરવાનું નાટક કરી મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Previous articleઅતિવૃષ્ટીને કારણે ડુંગળીનું ઉત્પાદન ઓછું આવતા ભાવ વધ્યાઃ રાદડિયા
Next articleપોલીસે રસ્તા પર રડતા બાળકને ચોકલેટ ખવડાવી, પરિવાર સાથે મિલન કરાવ્યું