પશુથી માંડીને માણસ સુધી પ્રત્યેકમાં એક પ્રકારની અશાંતિ સમયે સમયે ઊભી થતી જ રહે છે. પોતાને જેની ઈચ્છા હોય તે ન મળે અને બીજાને મળે ત્યારે અંતરમાં બળતરા થાય છે. આ બળતરાની આગ ત્યારે જ શમે જ્યારે પોતાથી વધુ પ્રાપ્ત કરનાર વ્યક્તિનું ભૂંડું થાય છે.
કોઈક સારું કમાય, કોઈક સારી ડિગ્રી મેળવે, કોઈને સારી સત્તા કે પ્રમોશન મળે કોઈને ત્યાં સારો બંગલો કે ગાડી આવે કોઈનો દીકરો વધુ સારું ભણે કે પરદેશ જાય તો એ માણસને ગમતું નથી આ અણગમો એટલે જ ઈર્ષ્યા.
શ્રીજીમહારાજ વચનામૃત ગ. પ્ર. ૭૧માં ઈર્ષ્યાનું લક્ષણ કહે છે કે જેની ઉપર જેને ઈર્ષ્યા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહિ અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય એ ઈર્ષ્યાનું લક્ષણ છે.
એક ભાઈને ત્યાં ફ્રીજ આવે અને તે રોજ ઠંડુ પાણી પીએ અને બળતરા બાજુવાળાને થાય ! એક ભાઈ મકાનનો માળ લે, તો બાજુવાળાને પોતાના મકાનનો માળ પડી ગયો હોય તેવું દુઃખ થાય. આમ ઈર્ષ્યાનું ઈંધણ એ માનવને દુઃખની ગાડીમાં બેસાડે છે.
એક રાજા હતો. તે વૃદ્ધ થયો. તેને સંતાન ન હતું. તેથી રાજ્યનો વારસદાર કોણ થશે ? તેની ચિંતા રાજાને સતાવતી હતી. પ્રધાન બુદ્ધિશાળી હતો તેણે એક ઉપાય વિચાર્યો. રાજ્માંથી શક્તિશાળી અને બુદ્ધિશાળી બે યુવાનોને બોલાવી રાજાના મહેલના ચોકમાં નીચે બેસાડી દીધા. પછી તેણે રાજાને કહ્યું ‘‘આપ ઝરૂખામાંથી કબૂતરનું પીછું નીચે નાખો. જેના ખોળામાં પડે તે પીછું લઈને ઉપર આવશે અને તમને આપે તે આપનો વારસ’’ રાજાએ ઝરૂખામાં આવીને પીછું નાખ્યું અને પોતાના સિંહાસને જઈને નવા વારસની રાહ જોવા લાગ્યો. એક મિનિટ… બે મિનિટ…પાંચ… દસ…પંદર મિનિટ સુધી કોઈ ઉપર આવ્યું નહીં. રાજા અકળાયો. ફરી ઝરૂખામાં આવી જોયું તો હજુ પીછું હવામાં જ હતું. કોઈના ખોળામાં પડે જ ક્યાંથી ? બાજુવાળો પડવા દે તો ને ! એક ફૂંક મારીને દૂર હટાવી દે ! આમ, આ ફૂંક રૂપે ઈર્ષ્યા જ બહાર આવતી હતી.
કોઈ વ્યક્તિના સારા ગુણો કે કાર્યો જોઈને કોઈ તેને વખાણે તે ઈર્ષ્યાળુને ખટકે છે. ઈર્ષ્યાળું કોઈનો પણ લૌકિક, નૈતિક કે આધ્યાત્મિક ઉત્કર્ષ ખમી શકતો નથી.
માણસના કાંઈક સ્વભાવમાં પ્રેમ, કરુણા, સેવા, ભક્તિ, સમર્પણના અમૃતકુંભની સાથે એક વિષનું ટીપું પણ મૂકાયેલું છે. એ વિષ એટલે ઈર્ષ્યા. જેને લીધે પોતાના સાધનોની, પ્રતિષ્ઠાની, મોભાની અન્ય સાથે મનમાં સૂક્ષ્મસ્તરે સ્પર્ધા ચાલતી જ હોય છે.
સંસ્કૃતમાં કહેવાય છે –
ભિખારી ભિખારીને જોઈને કૂતરાની જેમ ઘૂરકે છે. એટલે જ વચનામૃત સારંગપુરના ૮માં કહ્યું છે કે, યથાર્થ ઈર્ષ્યાવાળો જે હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે નહિ એટલે કે. યથાર્થ ઈર્ષ્યાવાળો જે હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે નહિ. એટલે કે, યથાર્થ ઈર્ષ્યાવાળો જે પોતાનાથી ઉંમર કે ગુણોની દૃષ્ટિએ મોટી વ્યક્તિનો ઉત્કર્ષ કે તેની પ્રશંસા સહન કરી શકતો નથી.
આમ, બીજાનું સુખ જોઈને પોતાને દુઃખ થાય અને બીજાનું દુઃખ જોઈને પોતાને સુખ થાય એ ઈર્ષ્યાનું લક્ષણ છે. આ ઈર્ષ્યા રૂપી ઈંધણ જ્યારે જીવનની ગાડીમાં આવે છે ત્યારે માણસનું જીવન વિકૃત સ્વરૂપ પકડે છે. ઈર્ષ્યા વધે એટલે ઈચ્છા ગૌણ થાય અને વ્યક્તિ મુખ્ય થઈ જાય છે. અને વિનાશ સર્જે છે.
ઈર્ષ્યાથી બીજાને જેટલું નુકસાન થાય તેના કરતાં પોતાને વધુ નુકસાન થાય. નિરંતર ચિંતા અને સંતાપમાં જીવનાર વ્યક્તિએ અંતરદૃષ્ટિ કરવાની આવશ્યકતા છે કે તેને કોઈની ઉપર ઈર્ષ્યા તો નથી ને ! આજના જમાનામાં માણસના રોગોને શમાવવા માટે ઘણી બધી દવાઓ શોધાઈ છે, પરંતુ ઈર્ષ્યારૂપી રોગને દૂર કરવાની દવા કોઈ ભૌતિક સાધનમાંથી ન મળે ! ઈર્ષ્યાને દૂર કરવા માટે આધ્યાત્મિક માર્ગનો સહારો લેવો અપરિહાર્ય છે. ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ લાવીને ઈર્ષ્યાનો પરિત્યાગ શક્ય છે. જીવનની ક્ષણભંગુરતા અને ભગવાનની અજરતાનો વિચાર ઈર્ષ્યાની આગને શમાવવા સક્ષમ છે.
દુર્યોધનને પાંડવો પ્રત્યે ઈર્ષ્યા હતી તો પોતાનું રાજ્ય ખોયું. નારદજીને તુંબરુ પ્રત્યે ઈર્ષ્યા હતી તો ૭ મન્વતર સુધી ભટકવું પડ્યું. એટલે જ વચનામૃત ગ. પ્ર. ૪માં કહ્યું છે કે, ‘‘જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા. (ક્રમશઃ)