બીજી ઓક્ટોબરના દિવસથી ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. ટેસ્ટ શ્રેણીમાં ભારતની નજર એકબાજુ શ્રેણી જીતવા પર કેન્દ્રિત રહેનાર છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતીય ટીમ દરેક શ્રેણીની સાથે સાથે નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. ટીમ ઇન્ડિયા દરેક પ્રવાસની સાથે વધારે મજબુત તરીકે ઉભરી રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વિશ્વમાં સફળતાના નામ પર ડંકો વગાડી ચુકી છે. ખાસ કરીને ઘરઆંગણેના દેખાવ પર નજર કરવામાં આવે તો છેલ્લા એક દશકમાં ભારતીય ટીમ છવાયેલી રહી છે. ભારતીય ટીમે છેલ્લા એક દશકમાં તેના સર્વશ્રેષ્ઠ દેખાવને કરવામાં સફળ રહી છે. ભારતીય ટીમે છેલ્લા એક દશકમાં જેટલી સફળતા હાંસલ કરી છે તેટલી સફળતા સમગ્ર ઇતિહાસમાં ભારતીય ટીમે કરી નથી. ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર પહોંચી ગયેલી ભારતીય ટીમલ સ્થાનિક અથવા તો આગરઆંગણે જીતના મામલામાં અન્ય તમામ દુનિયાની ટીમો કરતા ખુબ આગળ દેખાય છે. છેલ્લા એક દશકના ગાળામાં ભારતીય ટીમે ૪૫ ટેસ્ટ મેચો રમી છે. જે પૈકી ૩૨ ટેસ્ટ મેચો જીતી લેવામાં સફળતા મેળવી છે. માત્ર ચાર ટેસ્ટ મેચોમાં તેની હાર થઇ છે. આ મામલામાં ઓસ્ટ્રેલિયા બીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાએ આ ગાળામાં ૫૧ ટેસ્ટ મેચો રમી છે જે પૈકી ૩૩ ટેસ્ટ મેચમાં તેની જીત થઇ છે. સાથે સાથે નવ ટેસ્ટમાં તેની હાર થઇ છે. ભારતની જીતની ટકાવારી ૭૧.૧૧ ટકા રહી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી ૬૩.૮૩ રનની રહી છે. આવી જ રીતે જો સિરિઝ જીતની વાત કરવામાં આવે તો આ અવધિમાં ભારતીય ટીમે ૧૪ ટેસ્ટ સિરિઝ રમી છે જે પૈકી ૧૨ ટેસ્ટ શ્રેણીમાં તેને જીત મળી છે. એકમાં તેની હાર થઇ છે. એક શ્રેણી ડ્રો રહી છે. સિરિઝ જીતવાના મામલે ઇંગ્લેન્ડ આ વખતે સૌથી આગળ છે. ઇંગ્લેન્ડે આ અવધિમાં ૧૯ સિરિઝ રમી છે. જે પૈકી ૧૩માં તેની જીત થઇ છે. બેમાં તેની હાર થઇ છે. ભારતીય ટીમ હાલમાં સતત જોરદાર દેખાવ કરી રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમમાં અનેક સ્ટાર ખેલાડીઓ ધરખમ દેખાવ કરી રહ્યા છે. જેમાં બેટિંગમાં તો કેપ્ટન વિરાટ કોહલી પોતે સૌથી આગળ દેખાઇ રહ્યો છે. જ્યારે બોલિંગમાં સ્પીડ સ્ટાર જશપ્રીત બુમરાહની સામે દુનિયાના સારા બેટ્સમેનો પણ શાનદાર દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા છે.