એક સમયે સુરતમાંથી અન્ડરવર્લ્ડનો સફાયો કરવામાં આવ્યો હતો, જોકે પોલીસની પકડ ઢીલી થતાં જ ફરી એક વાર અંડરવલ્ડના ગુનેગારોએ ખંડણી માંગવાનું શરૂ કર્યું છે. જેમાં છોટારાજન ગેંગનો સાગરિત મૃતક ઓ. પી. સીંગના સાળા ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતોએ બિલ્ડરને ખંડણી માંગી હતી, જેમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે અનિલ કાઠી ગેંગના બે શખ્સની ધરપકડ કરી છે.
સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા હિરા-પન્ના શોપિંગ સેન્ટરમાં બિલ્ડર ઓફિસની ધરાવતા નેહલ અનિલને ૨૫મી તારીખે ધર્મેન્દ્ર, અનિલ અને તેના સાગરીતોએ ધમકી આપી હતી. બિલ્ડર નેહલ ઓફિસમાં નહીં મળતા અનિલ કાઠીએ ફોન કરીને ૧૦ લાખની ખંડણી માગી હતી. નેહલે શા માટે રૂપિયા આપવાના એવુ પૂછતાં ખંડણીખોરે જણાવ્યું કે તારે રૂપિયા આપવા પડશે, નહિ આપે તો તને મારી નાંખીશ. જેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતો સાથે આવતો જતો અને ઓફિસમાંથી જ ફોન પર ધમકી આપતા કેદ થઈ ગયા હતાં.
ક્રાઇમ બ્રાન્ચે અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીના સાગરીતો પૈકી સાકીર ઉર્ફે ભાણો આરીફભાઇ મેમણ તથા વસીમ ઉર્ફે ભાણો બશીરભાઇ સાહમદારને સચીન સાતવલ્લા બ્રીજ પાસેથી ઝડપી પડ્યા હતાં. પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી સાકીર ઉર્ફે ભાણો આરીફભાઇ મેમણ ધંધુકા પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં તેમજ બોટાદ અને બરવાળામાં મારામારી અને નડિયાદ તથા માતરમાં દારૂના ગુનામાં પકડાયો હતો. તેમજ આરોપી વસીમ ઉર્ફે ભાણો બશીરભાઇ સાહમદારનો જામનગર, કાલાવડ માં દારૂ પીવાના ગુનામાં પકડાય ચુક્યો છે.