હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બીજેપીએ ૭૮ વિધાનસભા સીટો પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ફરી એક વખત કરનાલ સીટથી ચૂંટણી લડશે. પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલા ટોહાનાથી, રેસલર યોગેશ્વર દત્ત બરોદાથી, પૂર્વ હોકી કેપ્ટન સંદીપ સિંહ પિહોવાથી, રેસલર બબીતા ફોગાટ દાદરીથી અને અનિલ વિજ અંબાલા કૈંટથી ચૂંટણી લડશે. આ લિસ્ટમાં બીજેપીના વર્તમાનના ૩૮ ધારાસભ્ય સામેલ છે. આ લિસ્ટમાં બીજેપીએ વર્તમાનના ૭ ધારાસભ્યોની ટિકિટ કાપી છે.
બીજેપી હરિયાણાની બધી ૯૦ સીટો ઉપર એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવાર નક્કી કરવા માટે રવિવારે બેઠક કરી હતી. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉમેદવારોના નામોને અંતિમ રુપ આપવા માટે રાજ્યોમાંથી આવેલ કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્યો અને નેતાઓ સાથે કલાકો સુધી ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે હરિણાયા સાથે મહારાષ્ટ્ર અને ૬૬ સીટો પર થનારી પેટા ચૂંટણી માટે ૨૧ ઑક્ટોબરે મતદાન થશે. ૨૪ ઑક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ ૪ ઑકટોબર છે.