પૌરાણિક દુધિમતી નદીનું પાણી એકાએક રક્તરંગી થઇ જતાં દાહોદ શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ વાત વાયુવેગે આખા શહેરમાં ફેલાતા લાલ પાણીવાળી નદી જોવા માટે પડાવ, ઘાંચીવાડા, ગોધરા રોડ, કદવાલ બ્રિજ, ભુરીકૂઈ વિસ્તારમાંથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. આખી નદી લાલ થઇ જવા પાછળ વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. બનાવની જાણ થતાં શહેર પોલીસ અને નગર પાલિકાના કર્મચારીઓ પણ ધસી આવ્યા હતાં. નદીમાં કોઇ કેમિકલ ભેળવ્યું હોવાની આશંકાથી માંડીને ગોધરા રોડ સુધી તટ અને વિવિધ નાળા સાથે નજીકના રહેણાંક વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી હતી. જો કે, નદીનો પ્રવાહ ચાલુ હોવા છતાં એક કિમીના પટમાં ક્યાંક ઘટ્ટ તો ક્યાંક આછું દુર્ગંધ મારતુ લાલ પાણી જોવા મળતા આશ્ચર્ય ફેલાયુ હતું.ગોધરા રોડ વિસ્તારમાં મસ્જિદના પાછળના ભાગે નાળામાં સૌથી વધુ લાલ પાણી જોવા મળ્યું હતું. આ સ્થળે મરી ગયેલી નાની માછલીઓ પણ પાણી ઉપર તરતી જોવા મળી હતી. ત્યાં આગળથી આવતુ પાણી સફેદ જ હોવાથી આ સ્થળે જ કેમિકલ નખાયું હોવાની આશંકાથી પોલીસ સાથે નગર પાલિકા દ્વારા પરિક્ષણ અર્થે મોકલવા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. પાણીમાં કયા પ્રકારનું કેમિકલ ભળ્યું હતું તે હાલ સુધી જાણવા મળ્યું નથી. જો કે,રવિવારની બપોર સુધી પણ નદીના કેટલાંક ભાગમાં લાલ પાણી જ વહેતું જોવા મળ્યું હતું.