અંબાજી પાસે બસ દુર્ઘટનામાં ૨૧થી વધુના મોત

444

બનાસકાંઠા જિલ્લાના અંબાજીના ત્રિશુલિયા ઘાટ નજીક આજે વરસતા વરસાદ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં ૨૧થી વધુ શ્રદ્ધાળુઓના મોત થઇ ગયા હતા અને ૩૫થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓ પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી રહીછે જેથી હજુ પણ મોતનો આંકડો વધી શકે છે. દુર્ઘટનાનો શિકાર થયેલા લોકો નવરાત્રિના પ્રસંગ પર વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ભીષણ દુર્ઘટના થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યું છે. સાથે સાથે શોકમાં રહેલા પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીને તમામ મદદ કરવાની વાત કરી છે. ઘાયલ થયેલા લોકો પૈકી તમામને પુરતી સારવાર મળે તેવી સૂચના પણ જારી કરવામાં આવી છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ આ દુર્ઘટના સાંજે ચાર વાગ્યાની આસપાસ થઇ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને ઘાયલોને તમામ પ્રકારની સુવિધા અને પુરતી સારવાર આપવાની વાત કરી છે. ભીષણ માર્ગ દુર્ઘટના અંગે માહિતી મળ્યા બાદ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત પોલીસ અને એનડીઆરએફની ટુકડીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની વાત કરી હતી. અંબાજીથી દાતા વચ્ચેના હાઇવે પર અકસ્માત થયો હતો. એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસે વળાંકમાં ફુલસ્પીડના કારણે સ્લીપ થવાની પલ્ટી ખાતાં જોરદાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ એટલી હદે પલ્ટી ખાધી હતી કે, આટલી મોટી આખી લકઝરી બસ ઉંધી થઇ ગઇ હતી, લક્ઝરી બસ પલ્ટી ખાતી વખતે તેણે એક ટ્રક અને જીપને હડફેટે લીધા હતા અને આમ બહુ વિચિત્ર પ્રકારે ગમખ્વારનો અકસ્માત સર્જાયો હતો. ચકચારભર્યા આ અકસ્માતમાં ૨૧ લોકોના મોત થઇ ગયા હતા. ભોગ બનેલાઓમાં મોટાભાગના લોકો આણંદ, બોરસદ, આંકલાવના હોવાની વિગતો સામે આવી છે.  આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તે દરમ્યાન આજે બપોરે અંબાજીના ત્રિશુલિયા ઘાટ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ કંપનીની લકઝરી બસ વળાંકમાં અચાનક જ પલ્ટી ખાઇ ગઇ હતી અને ટ્રક તથા એક જીપને હડફેટે લેતાં જોરદાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અંબાજીથી દાંતા તરફ આવી રહી હતી તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસમાં ૬૦થી વધુ મુસાફરો બસમાં સવાર હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની પાલનપુર રેફરલ હોસ્પિટલ સહિતની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.  ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસનો કાફલો પણ તાત્કાલિક ત્યાં દોડી ગયો હતો. બસ, ટ્રક અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માતને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગયો હતો. અકસ્માતમાં ૨૨થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં એકસાથે દસથી વધુ લોકોના મોતને લઇ સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. અકસ્માતને પગલે સમગ્ર હાઇવે પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાસ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સનો કાફલો પણ પહોંચ્યો હતો. અકસ્માતના સંદર્ભમાં વધુ માહિતી એકત્રિત કરાઈ રહી છે.

અકસ્માતના કારણે આઘાતનું મોજુ નવરાત્રિ પર્વ પર ફેલાઇ ગયું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં પ્રાથમિક માહિતી મુજબ બે મહિલા, ચાર બાળકોનો સમાવેશ થાય છે. જીજે-૦૧-૯૫૯૭ નીતા ટ્રાવેલ્સની બસમાં તમામ લોકો મુસાફરી કરી રહ્યા હતા.

Previous articleજરૂર પડશે તો ફરી બાલાકોટની જેમ એરસ્ટ્રાઇક કરવા ચેતવણી
Next articleઅલ્પેશ ઠાકોરે વાજતે ગાજતે અંતે નામાંકનપત્ર દાખલ કર્યું