દક્ષિણ આફ્રિકાની ટીમનો સૌથી અનુભવી સ્પિનર કેશવ મહારાજ ભારત સામે રમાનારી ત્રણ ટેસ્ટ મેચની આગામી ક્રિકેટ શ્રેણીમાં રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્રિ્વનની પીઢ ભારતીય જોડી જેમ જ સતત સફળતા મેળવવા માગે છે.
રાષ્ટ્ર વતી અત્યાર સુધીમાં ૨૫ ટેસ્ટ રમી કુલ ૯૪ વિકેટ ઝડપેલ ડાબોડી સ્પીનર મહારાજે ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં સારો દેખાવ કર્યો હતો અને તે ભારતના ટોચના ક્રમના બેટ્સમેનોને પોતાની બૉલિંગથી મુશ્કેલીમાં મૂકવાની આશા કરે છે. ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટભરી શ્રેણીનો અહીં બુધવારથી પ્રારંભ થનાર છે.”જાડેજા અને અશ્રિ્વન પાસે બૉલિંગમાં ઘણી વિવિધતા છે અને તેઓ પોતાના સતત સારા દેખાવથી હરીફ બેટ્સમેનોને હંમેશાં મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે તથા મારે તેઓની બરોબરી કરવી છે, એમ પ્રથમ વાર ભારતના પ્રવાસમાં રમવા આવેલ મહારાજે કહ્યું હતું.
તેણે કહ્યું હતું કે આગામી શ્રેણીમાં ઉપ-ખંડની પિચ ઉપર સ્પિન બૉલિંગ મુખ્ય ભાગ ભજવશે. મહારાજે કહ્યું હતું કે ભારતના શ્રેષ્ઠ બેટ્સમેનો સામે જ સારા બૉલરની કસોટી થઈ શકે છે અને આગામી શ્રેણી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતે કયા સ્થાને છે તે દેખાડી આપશે.