બેંકિંગ શેર તુટ્યા : સેંસેક્સ ૩૬૨ પોઇન્ટ ગગડીને બંધ

339

શેરબજારમાં આજે તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજારમાં વેચવાલી વચ્ચે આજે સતત બીજા દિવસે તીવ્ર ઘટાડો રહ્યો હતો. એક વખતે બપોરના ગાળામાં સેંસેક્સ ૯૦૦થી વધુ પોઇન્ટ સુધી ઘટી ગયો હતો અને ઘટીને ૩૭૯૯૦ નીચી સપાટીએ પહોંચ્યો હતો પરંતુ કારોબારના અંતે તેમાં રિકવરી રહેતા અંતે સેંસેક્સ ૩૬૨ પોઇન્ટ ઘટીને ૩૮૩૦૫ નીચી સપાટીએ પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૧૧૫ પોઇન્ટ ઘટીને ૧૧૩૬૦ની નીચી સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં ઘટાડા માટે જુદા જુદા પરિબળો જવાબદાર રહ્યા હતા. આજે દિવસ દરમિયાન સેંસેક્સ ૩૮૯૨૩ની ઉંચી અને ૩૭૯૩૦ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૧૫૫૪ની ઉંચી અને ૧૧૨૪૮ની નીચી સપાટીએ રહ્યો હતો. બીએસઈમાં માત્ર સાત કંપનીઓના શેરમાં તેજી રહી હતી જ્યારે ૨૩ કંપનીઓના શેરમાં મંદી જોવા મળી હતી. એનએસઈમાં ૧૧ કંપનીઓના શેરમાં લેવાલી અને ૩૯ કંપનીઓના શેરમાં વેચવાલી રહી હતી. શેરબજાર તેજીની સાથે ખુલ્યો હતો પરંતુ બેંકિંગ શેરમાં જોરદાર વેચવાલીના કારણે બપોર સુધી શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું અને બેંચમાર્ક ઇન્ડેક્સ આશરે બે ટકા નીચે પહોંચી ગયો હતો. બપોરે ૨.૧૪ વાગે સેંસેક્સ ૯૦૦થી વધુ પોઇન્ટ ઘટી ગયો હતો. બેંકિંગ અને ઓટોના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. યશ બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. એનએસઈ પર બેંકના શેર ૨૩ ટકા સુધી ઘટી ગયા હતા. બેંકના પ્રમોટરો દ્વારા પોતાની હિસ્સેદારી વેચવાના નિર્ણય કરવામાં આવ્યા બાદ સતત વેચવાલી જોવા મળી હતી. આ ઉપરાંત ઇન્ડસઇન્ડ બેંક અને એસબીઆઈના શેરમાં પણ ઘટાડો રહ્યો હતો. અન્ય અનેક કારણો પણ મંદી માટે જવાબદાર રહ્યા હતા. ઓગસ્ટ મહિનામાં કોર સેક્ટરમાં તીવ્ર મંદી રહી છે. કોર સેક્ટરમાં વૃદ્ધિદરમાં ૦.૫ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે.  ગઇકાલે સોમવારના દિવસે બીએસઈ સેંસેક્સમાં ૧૫૫ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૮૬૬૭ રહી હતી.  એનએસઈમા નિફ્ટી ઇન્ડેક્સમાં ગઇકાલે ૩૫ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૪૭૩ રહી હતી.  શેરબજારમાં હાલમાં ભારે પ્રવાહી સ્થિતિ પ્રવર્તી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં હાલમાં તેજી જોવા મળી રહી છે.

Previous articleસપ્ટેમ્બરમાં GST વસુલાત આંકડો ઘટીને ૯૧૯૧૬ કરોડ
Next articleપત્નીથી અલગ રહેતા યુવાને કંટાળીને આપઘાત કર્યો