વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સાંઇ ચોકડી પાસે વૈકુંઠ ધામમાં રહેતા યુવાને ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. પત્ની સાથે છૂટાછેડાનો કેસ ચાલતો હોવાથી યુવાને ફાંસો ખાઇ લીધો હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની વૈકુંઠ ધામ સોસાયટીમાં રહેતા પ્રિતેશ રમેશરાવ ઉત્તેકરનું લગ્ન થયા બાદ શરૂઆતમાં સાંસારિક જીવન સુખમય ચાલતુ હતું. જોકે ત્યારબાદ પત્ની સાથે ખટરાગ શરૂ થતાં પ્રિતેશ તેની પત્નીથી અલગ રહેતો હતો. આ દરમિયાન પત્નીએ કોર્ટમાં ભરણ પોષણ માટે દાવો કર્યો હતો. કોર્ટમાં અવાર-નવાર જવાનું થતું હોવાથી પ્રિતેશ ત્રાસી ગયો હતો. જેથી તેણે મોડી રાત્રે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.