ગાંધી જ્યંતી નિમિતે રાજ્યના અનેક કેદીઓને મુક્ત કરવામાં આવ્યા. આ સમયે રાજ્યના ૧૫૮ કેદીઓને સજા માફી આપી મુક્ત કરાયા હતા. જેમાં અમદાવાદ સાબરમતી જેલમાંથી ૨૪ આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે.
આ કેદીઓમાં ભરણપોષણ અને મારામારી સહિત ચોરી-અકસ્માતના કેસોમાં આવેલા કેદીઓ છે, જેમની મુક્તિ બાદ જેલની બહાર અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હવે જેલના સળિયા પાછળ નહિ રહેવુ પડે તે વિચારથી તેઓ બહાર નીકળતા સમયે એકદમ ખુશ જોવા મળ્યા હતા. તો બીજી જ મિનીટે પોતાના પરિવારજનોને મળીને તેમના આંખમાંથી આસું સરી પડ્યા હતા.
પોતાના પરિવારજનોને મળીને તેઓ ગળે લગાડીને રડ્યા હતા. તો કેટલાકે ભગવાનનો આભાર માન્યો હતો. જેલની બહાર પણ મોટી સંખ્યામાં પરિવારજનો કેદીઓને લેવા માટે પહોંચ્યા હતા. આ સમયે પોલીસની દરિયાદિલીનો એક કિસ્સો પણ જોવા મળ્યો હતો. એક કેદી પાસે ઘરે જવા રૂપિયા નહિ હોવાથી માનવતા દાખવી જેલના અધિકારીએ ભાડા માટે રૂપિયા આપ્યા હતા, તેમજ તે ફરી વખત ગુનાખોરી તરફ વળે નહિ તે માટે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે આવા સામાન્ય ગુનાઓમાં ૬૦ ટકા સજા ભોગવી ચૂકેલા કેદીઓને મુક્ત કરાતા હોય છે. ગંભીર પ્રકારના ગુનામાં પકડાયેલ કેદીઓને આ લાભ મળતો નથી તેવું સાબરમતી જેલના વડા ડો. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું.