બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા -૨૦૧૦ માસ કેમ્પેઇન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લાકક્ષાનો પ્લાસ્ટિક વેસ્ટ મહા શ્રમદાન અને સ્વચ્છતા શપથ તેમજ ફીટ ઇન્ડિયા કાર્યક્રમ જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી લલિતનારાયણસિંઘ સાંદુની ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તાએ મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના વિચારોને જીવનમાં ઉતારી સ્વચ્છ ભારત મિશન અભિયાનના કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પ્રત્યેક ઘરમાં બનાવવામાં આવેલા શૌચાલયોનો ઉલ્લેખ કરતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં શૌચાલયો બન્યા નહોતા તે પહેલા લોકોને બહુ તકલીફ પડતી હતી તેના કારણે આરોગ્યલક્ષી અનેક પ્રશ્નો મુશ્કેલીઓ પણ ઉભી થતી હતી.પરંતુ આજે તમામ ગામડાઓ અને શહેરો ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બન્યા છે, જે માટે આ કાર્યમાં જોડાયેલા તમામ લોકોની કામગીરી અભિનંદનીય છે.કલેક્ટરએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ ૨૦૧૪ ના વર્ષમાં શરૂ કરેલ સ્વચ્છ ભારત અભિયાનને આજે પાંચ વર્ષ પુરા થયા છે, સ્વચ્છતાના આ અભિયાનને સમગ્ર દેશવાસીઓએ ઉત્સાહભેર ઉપાડીને આ અભિયાનના તમામ લક્ષ્યાંકોને સિદ્ધ કર્યા છે, જે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે. આ પ્રસંગે સ્વચ્છતાલક્ષી નાટક રજુ કરવામાં આવ્યું હતું. આ તકે ૧૧,૦૦૦ વૃક્ષોનું રોપણ કરનાર યુવાનોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સર્વેએ સ્વચ્છતા માટે શપથ લીધા હતા.કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટર તથાજિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો દ્વારા મહા શ્રમદાન દ્વારા સફાઈ કરવામાં આવી હતી. આ તકે લાઠીદડ સ્થિત કેન્દ્રવર્તી શાળાથી ગ્રામ પંચાયત કચેરી સુધીની મેરેથોન દોડ પણ યોજવામાં આવી હતી.લાઠીદડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ, મામલતદાર,અગ્રણીઓ સર્વશ્રી પરસોત્તમભાઈ માથોલિયા, માધવજીભાઈ ભૂંગાણી, દેવલભાઇ ખંભાળિયા, ગામના આગેવાનો, શાળાના આચાર્ય -શિક્ષકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.