ભાવનગર મહાપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ગાંધી જયંતિ નિમિત્તે આજે સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમનાં ભાગરૂપે રૂપમ ચોક ખાતે મહાશ્રમદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર સહિત પદાધિકારીઓ અને કલેક્ટર કમિશ્નર સહિત અધિકારીઓ, કર્મચારીઓ, કાર્યકરોએ સફાઈ અભિયાન ચલાવાયું હતું અને છ હજાર કીલો પ્લાસ્ટીક વેસ્ટ એકત્રીત કરવામાં આવ્યું હતું.
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે દેશને ઝીરો વેસ્ટ અને પ્લાસ્ટીક મુક્ત બનાવવાનાં ભાગરૂપે મહાપાલિકાનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઘોઘાગેટ ચોક ખાતે મહાશ્રમદાન યજ્ઞ, યોજવામાં આવ્યો હતો. જેમાં મેયર મનભા મોરી, ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, આરોગ્ય ચેરમેન રાજુભાઈ રાબડિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, કમિશ્નર એમ.એ.ગાંધી, સીટી એન્જી. ચંદારાણા, નગરસેવકો, એન.સી.સી. કેડેટ્સો, રોટરી, લાયન્સ, ચેમ્બરનાં સભ્યો, જ્ઞાનગુરૂ વિદ્યાપીઠનાં શિક્ષકો, આંગણવાડી બહેનો, મ્યુ.કર્મચારીઓ, શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ઘોઘા ગેટની હેવમોર, એમ.જી.રોડ, ખારગેટ, હાઈકોર્ટ રોડ, મોતીબાગ રોડ તથા વિવીધ વોર્ડમાંથી પ્લાસ્ટીક વેસ્ટ એકત્રીત કરી. સફાઈ ઝુંબેશ ચલાવાઈ હતી. મહાશ્રમદાન કાર્યક્રમમાં આજે છ હજાર કીલો પ્લાસ્ટીક વેસ્ટ એકત્રીત કરવામાં આવ્યો હતો અને લોકોને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા સમજાવ્યા હતા.