વડોદરાના નવલખી ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમી રહેલા આરોપીને નર્મદા એલસીબીએ ટ્રેડિશનલ ડ્રેસમાં જ ઝડપી પાડ્યો હતો. અને વડોદરાથી રાજપીપળા લઇ જવામાં આવ્યો હતો. ૨૦૧૭ના વર્ષમાં ગુનાહિત કૃત્ય કર્યાં બાદ રાજપીપળા પોલીસ મથકે દાખલ થયેલા ગુનામાં આરોપી છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો.
પોતાની પત્નીના ફોટા શોશિયલ મીડિયામાં ખરાબ કોમેન્ટ સાથે મૂકનાર રાજપીપળાના દિલરાજસિંહ રાઠોડ વિરુદ્ધ ૨૦૧૭માં રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ આરોપી પોલીસ પકડથી નાસતો ફરતો હતો. આ આરોપીને એલ.સી.બી નર્મદા તથા વડોદરા શહેર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
દિલરાજસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ(રહે.કોલેજ રોડ, રાજપીપળા)ને વડોદરાના નવલખી ગરબા ગ્રાઉન્ડ ખાતે ગરબા રમતો હોવાની બાતમી મળી હતી. જેથી નર્મદા પોલીસને વડોદરા પહોંચવામાં સમય લાગે તેમ હોવાથી રાવપુરા પોલીસને જાણ કરી હતી. અને નર્મદા એલસીબી ટીમ વડોદરા પહોંચે ત્યાં સુધી દિલરાજસિંહ ઉપર રાવપુરા પોલીસને મોકલીને તેની પર વોચ રાખવા જણાવ્યું હતું. જેથી રાવપુરા પોલીસે નવલખી ગ્રાઉન્ડમાં વોચ રાખી હતી. આ દરમિયાન નર્મદા એલસીબી ટીમ ત્યાં પહોંચીને તેને ઝડપી પાડ્યો હતો. અને રાજપીપળા પોલીસ સ્ટેશનના ગુનામાં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો.