નાનીકડીની અલકનંદા સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષક નાગજીભાઈ સુથારના એકના એક પુત્ર અલ્પેશનું બેહરીનમાં પાંચ દિવસ અગાઉ અકાળે મોત થયું હતું. જેની લાશ ઘરે લાવવા સ્થાનિક ભાજપના અગ્રણીઓ દ્વારા વિદેશ પ્રધાન સુધી રજૂઆત કરી લાશને ભારત લાવવા પ્રયાસો હાથ ધરાયાં છે.
સેદરડીના વતની નિવૃત્ત શિક્ષક સુથાર નાગજીભાઈ વિસાભાઈ નાનીકડી સ્થિત અલકનંદા સોસાયટીમાં રહે છે. તેમનો પુત્ર અલ્પેશ (૪૩)એ ડીપ્લોમા ફાર્મસી અને એમએસસીનો અભ્યાસ કરી છેલ્લા પાંચ વર્ષથી દુબઈ નજીક બહેરીનમાં દવાની કંપનીમાં નોકરી અર્થે પત્ની અને એક પુત્રથી દૂર વિદેશમાં સ્થાયી થયો હતો.ગુરુવારે બપોરે કડી પોલીસ દ્વારા અલ્પેશના અકાળે મોતના વાવડ મળતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. નાનીકડી ના તાલુકા પંચાયત સદસ્ય રજનીભાઈ પટેલ, ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ સપનાબેન પટેલે સાંસદ જયશ્રીબેન પટેલ મારફતે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને રજૂઆત કરી લાશ ભારત લાવવા પ્રયાસો હાથ ધરાયાનું રજનીભાઈ પટેલે જણાવ્યું હતું. બહેરીન સ્થિત ભારતના દૂતાવાસનો ટેલિફોનિક સંપર્ક થયો હતો મંગળવારે લાશ દિલ્હી આવી પહોંચશે તેમ જણાવ્યું હતું. લાશને ભારત લાવવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કડી માર્કેટયાર્ડ ચેરમેન વિનોદ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.