કેન્દ્ર સરકારના નવા મોટર વ્હિકલ એક્ટને લઇ ગુરૂવારે કેટલાક રીક્ષાચાલકોએ સ્વયંભૂ હડતાળનું એલાન આપ્યું હતું. રીક્ષા હડતાળમાં પણ વિવાદ સામે આવ્યો. કેટલાક એસોસિએશન આ હડતાળમાં જોડાયા નથી. સ્વયંભૂ હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો. મોટાભાગે રીક્ષાઓ ચાલુ જોવા મળી હતી. કેટલીક જગ્યાએ રીક્ષાઓને જબરદસ્તી બંધ કરાવવામાં આવી હોવાના બનાવો પણ સામે આવ્યા હતા.
છેલ્લા બે વર્ષથી અમદાવાદના રીક્ષા ચાલકો વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે અને રજૂઆતો કરી રહ્યા છે. નવા મોટર વ્હિકલ એક્ટના કારણે રીક્ષાચાલકોને હાલાકી ભોગવવી પડતી હોવાને લઇ રીક્ષા ચાલકો અને રીક્ષા એસોસિએશન દ્વારા સ્વયંભૂ હડતાળનું એલાન કરાયું . આજે સાંજે ૬ વાગ્યા સુધી રીક્ષા ચાલકોની હડતાળ રહી હતી.
નવરાત્રિને કારણે શહેરીજનોને હાલાકી ન પડે માટે સાંજે ૬ વાગ્યા બાદ રીક્ષા ચાલુ રાખવા માટે નિર્ણય કરાયો હતો. જો કે આ હડતાળમાં મોટાભાગના રીક્ષાચાલકો જોડાયા નથી.
જે રીક્ષાચાલકોએ રીક્ષા ચાલુ રાખી છે. તેમને જબરદસ્તી બંધ કરવામાં આવી રહી હતી. જેના કારણે કેટલીક જગ્યાએ ઘર્ષણ પણ ઊભું થયું. સવારથી રીક્ષાઓ રાબેતા મુજબ ચાલી રહી હતી. કેટલાક વિસ્તારોમાં જ હડતાળ જોવા મળી હતી.