ભાવનગરના ઠાંસાના ૨ ધોરણ પાસ ખેડૂત ભીખાભાઈ કાનાણીની અનેરી સિદ્ધિ

517

રાજ્યની ખેતીને સમૃદ્ધ બનાવી, ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે રાજ્ય સરકારના કૃષિ, પશુપાલન અને બાગાયત વિભાગ દ્વારા કાર્યરત્‌ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન મેળવી ભાવનગર જિલ્લાના ગારીયાધારના ઠાંસા ગામે રહેતા અને માત્ર ૨ ધોરણ ભણેલા ભીખાભાઈ કાનાણીએ કૃષિ વિભાગની સૈદ્ધાંતિક અને આર્થિક સહાય તેમજ પોતાની કોઠાસૂઝથી ૪૦ વિઘા જમીનમાં ૨૦૧૬-૧૭માં ૫૦,૦૦૦ કિલો દાડમનું ઉત્પાદન કરી, રૂ. ૧૪,૪૨,૩૭૦નો ચોખ્ખો નફો મેળવવાની અનેરી સિદ્ધિ હાંસલ કરી છે.

ભાવનગરનાં દાડમ સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. અને તેમાંય વળી, દેશી લાલ દાડમની તો વાત જ અનેરી છે. ભાવનગરના ઠાંસા ગામના ખેડૂત ભીખાભાઈ કાનાણી પરંપરાગત રીતે ખેતી સાથે સંકળાયેલા છે. પોતાનો અનુભવ દર્શાવતાં ભીખાભાઈ જણાવે છે કે, તે છેલ્લા ૫ વર્ષથી દાડમની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરે છે. ૪૦ વીઘા જમીનના દરેક પાકમાં માત્ર સબસિડાઇઝ્‌ડ ડ્રિપ ઇરિગેશનથી જ પિયત આપે છે. પાણીમાં દ્રાવ્ય હોય તેવા જ ખાતરનો ઉપયોગ કરે છે. તેઓ દાડમના છોડનું વર્ષમાં એકવાર પ્રુનિંગ કરાવે છે જેથી ફળ-ફુલ બેસવાની સંખ્યા સારી રહે છે અને ફળનું કદ મોટુ રહે છે. તેઓ હળવી સિન્થેટિક પાઇરેથ્રોઇટ દવાનો પણ યોગ્ય પ્રમાણમા વપરાશ કરે છે.તેઓએ કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ દવા તથા ખાતરનો ઉપયોગ કર્યો જેના થકી વર્ષ ૨૦૧૪-૧૫માં ૨૫,૦૦૦ કિલો દાડમનું ઉત્પાદન થયું, જેમાંથી રૂ. ૬,૩૩,૩૫૬/-ની ચોખ્ખી આવક થઈ. ત્યાર પછીના વર્ષ ૨૦૧૫-૧૬માં ૩૬,૦૦૦ કિલો દાડમનું ઉત્પાદન થયું અને ચોખ્ખો નફો રૂ.૧૧,૫૫,૩૦૦ /- સુધી પહોંચ્યો. જ્યારે વર્ષ ૨૦૧૬-૧૭માં ઉત્પાદન ૫૦,૦૦૦ કિલો સુધી પહોંચ્યું અને ચોખ્ખો નફો રૂ. ૧૪,૪૨,૩૭૦/-ને આંબી ગયો.

માત્ર આટલેથી જ અટકવું ભીખાભાઈને સ્વીકાર્ય નહોતું. દાડમની સાથોસાથ તેમણે દુધી અને તરબુચ પણ વાવ્યા હતાં.

ભાવનગર જિલ્લામાં ૨૦૧૬-૧૭ ના વર્ષમાં વરસાદ સરેરાશ કરતાં ઓછો વરસ્યો હોય ત્યારે ભીખાભાઈએ ડ્રિપ ઇરિગેશન માટે ઓછા હોર્સપાવરની મોટરનો ઉપયોગ કરી પિયત આપી. જેના કારણે વીજળી અને પાણીનો બચાવ તો થયો જ, ઉપરાંત પિયત અને ખાતરના ખર્ચમાં ૮૦ ટકા સુધીનો ઘટાડો કરી શકાયો. આનું પરિણામ એ આવ્યું કે, સરેરાશ વર્ષ નબળું હોવા છતાં આવકમાં નોંધપાત્ર ફરક ન પડ્યો. ઉલ્લેખનીય છે કે, ખેતીની પદ્ધતિમાં સુધારો આણીને રાજ્યની ખેતીને વધુ સમૃદ્ધ અને ગુણવત્તાસભર બનાવવા માટે તેમજ રાજ્યના ખેડૂતોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકલ્પો કાર્યરત કરાયા છે. આવા જ એક પ્રોજેક્ટ તરીકે વર્ષ ૨૦૦૭-૦૮થી રાજ્યના તમામ જિલ્લાઓમાં આત્મા પ્રોજેક્ટ અમલી કરાયો છે. જે અંતર્ગત કૃષિ વિસ્તરણ માટેની શિક્ષણની પ્રવૃત્તિઓ તેમજ નવાં સંશોધનોની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. જ્યારે ટપકસિંચાઈને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. જેનો લાભ મેળવીને ભીખાભાઈ સહિત અનેક ખેડૂતો વિકસિત ખેતીનો નવો રાહ ચીંધી રહ્યા છે. આજે ભીખાભાઈ તેમના ગામના અન્ય ખેડૂતોને પણ સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓની માહિતી આપી, પોતાની કોઠાસૂઝ મુજબનું માર્ગદર્શન પૂરું પાડે છે અને તેમને ટપકસિંચાઈ તેમજ પાકની નવી જાત અને ખાતરનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવા સમજાવે છે. જેથી તેમણે મેળવ્યો તેવો લાભ અન્ય ખેડૂતો પણ મેળવી શકે. ભીખાભાઈ ખેડુત ભાઈઓને જણાવે છે કે “જો સમજણ સાથે ખેતી કરો તો ન્યાલ કરી દે ખેતી અને સમજણ વગરની કરો તો પાયમાલ કરી દે ખેતી”. ભીખાભાઈ કાનાણીને આત્મા યોજના દ્વારા વર્ષઃ ૨૦૧૬-૧૭ માટે જીલ્લા કક્ષાનો “બેસ્ટ આત્મા ફાર્મસ” નો એવોર્ડ આપી સન્માવવામાં આવેલ છે.

Previous articleલોકભારતી સોણોસરા દ્વારા ઠાંડા ગામે ગાધી ગ્રામ પદયાત્રાનું આયોજન કરાયું
Next articleપરશોત્તમભાઈ સોલંકીની ખબર-અંતર પુછવા મુખ્યમંત્રી રૂપાણી એપલો હોસ્પિટલ પહોંચ્યા