૪ દિવસ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી મારતાં ખૈલેયા ફફડયા

959

નવરાત્રિના પહેલા ત્રણ નોરતા સુધી વત્તા ઓછા અંશે પોતાની હાજરી વર્તાવ્યા બાદ મેઘરાજાએ અમદાવાદ શહેર સહિત રાજયના મોટાભાગના વિસ્તારોમાંથી જાણે કે, વિરામ લીધો હતો પરંતુ આજે સાતમા નોરતે ફરી એકવાર મેઘરાજાએ અમદાવાદ શહેર, સૌરાષ્ટ્ર પંથક સહિત રાજયના કેટલાક વિસ્તારોમાં રિ એન્ટ્રી કરતાં નવરાત્રિના ખૈલેયાઓ અને આયોજકો ફફડી ઉઠયા હતા. જો કે, વરસાદનું જોર ઓછુ હોવાના કારણે સૌકોઇએ રાહત અનુભવી હતી. ખૈલેયાઓને તેમની નવરાત્રિની ઉજવણીમાં કોઇ ભઁંગ ના પડે તેને લઇ ચિંતા વર્તાતી હતી, તો બીજીબાજુ, ખેડૂતો પોતાના પાકની નુકસાનીને લઇ ભયભીત હતા. જામનગરના કાલાવડમાં જામવાડી ખાતે તો, ત્રણ કલાકમાં આજે ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં ભારે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે ઉઘાડ નીકળ્યા બાદ બપોર સુધીમાં તો, વાદળો ઘેરાવાનું શરૂ થયુ હતુ અને ત્યારબાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપંટા પડ્‌યા હતા. અમદાવાદના ઈસનપુર, નારોલ, વટવા, ઓઢવ, સોની કી ચાલ, વાસણા, પાલડી, પ્રહલાદનગર, એસજી હાઈવે, વસ્ત્રાપુર, ગુરૂકુળ, મેમનગર, નારણપુરા, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

વરસાદ પડતાં એક તબક્કે નવરાત્રિના ખૈલેયાઓ ચિંતાતુર બન્યા હતા પરંતુ જો કે, થોડીવાર વરસાદ પડયા બાદ તે રહી જતાં ખૈલેયાઓ અને આયોજકોએ રાહતનો દમ લીધો હતો. વરસાદ પડવાના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. અમદાવાદ જિલ્લાના કેટલાક પંથકોમાં પણ વરસાદ નોંધાયો હતો. નવરાત્રિના પૂર્ણ થવામાં હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે ફરીથી વરસાદથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ ફરી વળ્યો હતો. બીજીબાજુ, ચારથી પાંચ દિવસના વિરામ બાદ આજે ફરી સાતમા નોરતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પંથકના ઘણા ખરા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો, જેને લઈને ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી. રાજકોટ શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડયો હતો. તો બીજી તરફ ગીર ગઢડાના એભળવડ, વેલાકોટ, હરમડિયા અને પીંછવા સહિતના પંથકોમાં પણ સારો એવો વરસાદ પડ્‌યો હતો. જામનગરના કાલાવાડમાં જામવાડી ખાતે તો, ત્રણ કલાકમાં આજે ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી ભરાઇ ગયા હતા. ગઇકાલે વડોદરામાં પણ વરસાદ પડયો હતો અને ત્યારબાદ આજે સૌરાષ્ટ્ર સહિતના પંથકો અને રાજયના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસતાં નવરાત્રિના ખૈલેયાઓમાં થોડી નિરાશાની લાગણી વર્તાતી હતી પરંતુ તેમનો ઉત્સાહ એટલો જ જોવા મળતો હતો. અમદાવાદમાં હજુ સુધી સિઝનમાં ઉલ્લેખનીય વરસાદ થઇ ચુક્યો છે. બીજી બાજુ હળવા વરસાદી ઝાપટા જારી રહેવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ રહ્યો છે.

Previous articleહેલ્મેટ- PUC માટેની મહેતલ ૩૧ સુધી લંબાવાઈ
Next articleગુજરાત યાત્રાધામો-પ્રવાસન ક્ષેત્રમાં દિવાદાંડી બની રહેશે