ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ મેચ ૨૦૩ રને જીતી લીધી છે. ટીમ ઇન્ડિયાની આ જીતમાં અસલી હિરો તરીકે રોહિત શર્મા રહ્યો છે. રોહિત શર્માએ બંને ઇનિંગ્સમાં સદી ફટકારીને પોતાની કુશળતા સાબિત કરી છે. રોહિત શર્માને શાનદાર દેખાવ બદલ મેન ઓપ દ મેચ જાહેર કરાયો છે. પોતાની ટેસ્ટ કેરિયરમાં પ્રથમ વખત ઓપનિંગમાં આવેલા રોહિત શર્માએ સાવધાનીની સાથે આક્રમક રમતનો પરિચય આપ્યો હતો. મેન ઓફ દ મેચનો એવોર્ડ જીત્યા બાદ રોહિતે પોતાની શાનદાર ઇનિંગ્સના સંદર્ભમાં કહ્યું હતું કે, તે મેદાન પર શ્રેષ્ઠ બેટિંગ કરવા માટે ઇચ્છુક હતો. બેટિંગમાં ટોપ ઓર્ડરમાં તક મળવાની બાબત તેના માટે ખુબ સારી અને ગર્વ લેવાની બાબત હતી. આ તક આપવા બદલ તે ટીમ મેનેજમેન્ટનો આભાર માને છે. ટેસ્ટ ક્રિકેટમાં અગાઉ ક્યારે પણ ઓપનિંગ કરી નથી. રોહિતે કહ્યું હતું કે, આશરે બે વર્ષ પહેલા તેને કહેવામાં આવ્યું હતું કે, કોઇ દિવસે તેને પણ ઓપનિંગ કરવાની તક મળશે. ત્યારબાદથી જ નેટ પ્રેક્ટિસમાં નવા બોલ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. કયા બોલ સાથે ક્રિકેટની રમત રમવામાં આવે છે તે કોઇ મુદ્દો નથી. રેડ અથવા વ્હાઇટ બોલ સાથે રમવાની બાબત કોઇ વધારે મહત્વ રાખતી નથી. શરૂઆતમાં કોઇપણ બોલ સાથે રમતી વેળા સાવધાની રાખવાની જરૂર હોય છે. બેઝિક ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. રોહિતે ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાની સફળતા અંગે વાત કરતા કહ્યું હતું કે, સફળતાનો એક જ મંત્ર રહેલો છે અને એ મંત્ર એ છે કે, ઓફ સ્ટમ્પથી બહારના બોલને છોડી દેવાની જરૂર હોય છે. સાથે સાથે શક્ય બને ત્યાં સુધી શરીરના નજીકથી બેટિંગ કરવાની જરૂર હોય છે. તેની બેટિંગ માટે પણ આજ ટેકનિક તે અપનાવે છે. ટીમ મેનેજમેન્ટ પણ એવી જ આશા રાખે છે. મેન ઓફ દ મેચ બનેલા રોહિતે કહ્યું હતું કે, સાવધાનીની સાથે સાથે આક્રમક બેટિંગ કરવાની બાબત તેની સ્વાભાવિક રમત છે. કેવી સ્થિતિમાં તે બેટિંગ કરી રહ્યો છે તે પરિસ્થિતિ પર આધારિત રહે છે. ટેસ્ટમાં અનેક રેકોર્ડ પોતાના નામ ઉપર કરી લેનાર રોહિતે કહ્યું હુતં કે, આ ટેસ્ટ મેચમાં રેકોર્ડ સાથે જોડાયેલી ઘણી ચીજો બની છે જેને લઇને તેની પાસે માહિતી નથી. તે માત્ર પોતાની રમત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો.