વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની ૫૧મી સ્કવાડ્રન અને મિરાજ ૨૦૦૦ની ૯ સ્ક્વોડ્રન, ફ્લાઈટ કન્ટ્રોલર મિંટી અગ્રવાલની ૬૦૧ સિગ્નલ યુનિટને વાયુસેના પ્રમુખ આરકેએસ ભદોરિયા એરફોર્સ ડે પર પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરશે. ત્રણ યુનિટને આ સન્માન ૨૬ ફેબ્રુઆરીએ બાલાકોટમાં જૈશ–એ–અહમદના આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવા અને ૨૭ ફેબ્રુઆરીએ પાકિસ્તાનના લડાકૂ વિમાનોને હુમલામાં નિષ્ફળ કરવા માટે આપવામાં આવશે.
૭૩માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે સરકારે બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરનાર વાયુ સૈનિકો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરી હતી. વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે એર સ્ટ્રાઈકના આગલા દિવસે પાકિસ્તાનના એફ–૧૬ વિમાનને તોડી પાડ્યું હતું. વીર ચક્ર યુદ્ધ સમયમાં કરેલા સાહસ બદલ આપવામાં આવનાર ત્રીજું સૌથી મોટું સૈન્ય સન્માન છે. પ્રથમ નંબરે પરમવીર ચક્ર અને બીજા નંબરે મહાવીર ચક્ર છે. કાશ્મીરમાં પાક વિમાનોની ઘુસણખોરી દરમિયાન ફાઈટર કન્ટ્રોલરની જવાબદારી સંભાળનાર સ્ક્વાડ્રન લીડર મિંટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વખતે વીરતા પુરસ્કાર મેળવનારાઓમાં મિંટી એક માત્ર મહિલા હતી.