વિવિધ સિદ્ધિઓ આપી શક્તિ આ માતા તેના સ્વભાવ માટે જ માતા સિદ્ધિદાત્રી કહેવાય છે. હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું નવમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. નવરાત્રીના નવમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવી સિદ્ધિદાત્રી કેતૂ (ગ્રહ)નું સંચાલન કરે છે. દેવી ભાગવત્ પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી. એમ માનવામાં આવે છે કે આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિ-પરાશક્તિ શિવનાં અર્ધા દેહમાંથી ’સિદ્ધિદાત્રી’ સ્વરૂપે પ્રગટ્યા. આમ શિવના “અર્ધનારીશ્વર” સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રીનો દર્શાવાય છે. દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવ, ગંધર્વ, યક્ષ, અસૂર અને સિદ્ધ પણ કરે છે.
સિદ્ધિદાત્રી માનું નવમું સ્વરૂપ સિદ્ધિ અને મોક્ષ આપનારું હોવાથી ‘સિદ્ધિદાત્રી’ તરીકે ઓળખાય છે. મા કમળના આસન પર બિરાજિત છે. નવરાત્રિના નવમા દિવસે-અંતે આ સ્વરૂપની આરાધના કરનારને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ઉપાસના મંત્રો – શાંતિ કુરુ સિદ્ધિદાત્રી, સર્વ સિદ્ધિ પ્રદાયક, ભુક્તિ-મુક્તિ દાયક દેવી, નમસ્તે નમસ્તે સ્વાહા – ‘ઓમ્ ઐઁ, હ્રીઁ, સિદ્ધિદાત્રયૈ મમ્ સુખ-શાંતિ દેહિ દેહિ સ્વાહા’.