૨૪ વર્ષની વૃષ્ટી જસુભાઇ કોઢારી અને શિવમ પટેલના ગુમ થવા મામલે નવરંગપુરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે એક અન્ય મહત્વની વાત પણ સામે આવી છે. આ બંન્ને જણ ૧ ઓક્ટોબરનાં રોજથી ગૂમ છે ત્યારે ત્રણ દિવસ પહેલા એટલે ૨૭ સપ્ટેમ્બરે શિવમે મિત્ર પાસે દસ હજાર રૂપિયા માંગ્યાં હતાં. આ ઉપરાંત પોલીસે અમદાવાદનાં ૩૦થી વધુ સ્થળો પરથી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. જ્યારે શિવમ અને વૃષ્ટિનાં સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખી રહ્યાં છે.
બે દિવસ પહેલા પોલીસને ગુમ થનારા વૃષ્ટિ અને શિવમ પટેલના ઘરેથી સાથે નીકળી રહેલા સીસીટીવી ફૂટેજ મળ્યાં હતા.
તો કાલુપુર રેલવે સ્ટેશન પરનાં સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યાં છે. સીસીટીવી ફૂટેજ પ્રમાણે બંન્ને લોકો શિવમનાં ઘરેથી નીકળીને રિક્ષામાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. આ મામલામાં પોલીસે ૨૦થી વધુ લોકોનાં નિવેદન લીધા અને હજી આ મામલામાં વધુ લોકોની પૂછપરછ થઇ રહી છે.
વૃષ્ટીનો પરિવાર પોર્ટુગલ છે અને તે હાલ પરત આવ્યો છે. જયારે શિવમનો પરિવાર અમેરિકા રહે છે. બન્નેનો પરિવાર વિદેશમાં રહેતો હોવાથી પોલીસને કોઈ કડી નથી મળી રહી. સૂત્રો કહે છે કે વૃષ્ટી તેના પિતાના બીજા લગ્નની પત્નીની પુત્રી હતી.