સુરતમાં એલ બી ફાયર સ્ટેશન નજીક સીટ બેલ્ટ બાંધ્યા વગર જ સિટી બસ ચલાવતા ડ્રાઈવરને રોકીનેને ટ્રાફિક પોલીસે રૂ. ૫૦૦નો દંડ ફટકાર્યો હતો. પરંતુ ખાનગી કોન્ટ્રાક્ટરની સિટી બસના ચાલકે પોતાની પાસે દંડના રૂપિયા ન હોવાનું જણાવતા પોલીસે બસને જપ્ત કરી લીધી હતી. હવે આ સમગ્ર ઘટનામાં સૌથી કફોડી હાલત પેસેન્જરોની થઈ ગઈ હતી. સવારના પહોરમાં બનેલી આ ઘટનાથી ઓફિસે કે કામના સ્થળે જવામાં લોકોને ખૂબ હાલાકી થઈ હતી. જો કે, મુસાફરોને અન્ય બસમાં ટ્રાન્સફર કરાયા હતા.
આ બસનો નંબર જીજે ૫ બીએક્સ ૩૩૦૫ એકલવ્ય એપમાં નાંખીને ચેક કરતાં તે બસની માલિકી સુરતના મ્યુનિ. કમિશનરની હોવાનું જણાયું હતું. ૨ માર્ચ, ૨૦૧૭ના રોજ સુરત આરટીઓમાં નોંધાયેલી આ બસ માટે હવે ચાલકના કસૂર બદલ માલિક એટલે કે મ્યુનિ. કમિશનરને દંડનો મેમો મોકલવામાં આવ્યો છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. જો કે, આ બસનો કબજો તો હાલ ટ્રાફિક પોલિસ પાસે છે.
દંડની રકમ ન ભરનાર ચાલકની બસ પોલીસે કબ્જે લીધી હતી બાદમાં બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને અન્ય બસમાં મોકલવામાં આવ્યાં હતાં.
બસમાં ઓવરલોડ મુસાફરો લઈને બીજી બસ નીકળી હતી. આ ઘટનાની જાણ અન્ય બસના ચાલકોને થતાં તેઓ સીટ બેલ્ટ સાથે બસ ચલાવતા જોવા મળ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.