વિશાખાપટ્ટનમ ખાતે હાલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા પર ભારતે જોરદાર જીત મેળવી હતી. આ ટેસ્ટ મેચમાં ભારતની જીતમાં બીજી ઇનિંગ્સમાં મોહમ્મદ સામીએ ચાવીરુપ ભૂમિકા અદા કરી હતી. મોહમ્મદ સામીના એકંદરે રેકોર્ડ ઉપર નજર કરવામાં આવે તો તે બીજી ઇનિંગ્સમાં વધારે ઘાતક સાબિત થયો છે જેથી મોહમ્મદ સામીને ટેસ્ટ ક્રિકેટમાં બીજી ઇનિંગ્સમાં હિરો તરીકે ગણવામાં આવી શકે છે. તેના ઓવરઓલ રેકોર્ડ ઉપર નજર કરવામાં આવે તો મોહમ્મદ સામીએ પોતાની ટેસ્ટ કેરિયરમાં પ્રથમ ઇનિંગ્સમાં ૭૮ અને બીજી ઇનિંગ્સમાં ૮૦ વિકેટો ઝડપી છે. મોહમ્મદ સામીએ ટેસ્ટ ક્રિકેટમાં હજુ સુધી ૪૩ ટેસ્ટ મેચોમાં ૧૫૮ વિકેટ ઝડપી છે જે પૈકી પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પાંચ વખત ઝડપી છે. ઘરઆંગણે ૧૨ ટેસ્ટ મેચોમાં મોહમ્મદ સામીએ ૪૫ વિકેટો લીધી છે જ્યારે વિદેશમાં ૩૧ ટેસ્ટ મેચો પૈકી ૧૧૩ વિકેટો ઝડપી છે. એકંદરે ૨૧ ટેસ્ટ મેચોમાં ૭૮ વિકેટો તેની જીતમાં ઉપયોગી રહી છે. મોહમ્મદ સામીને બીજી ઇનિંગ્સમાં સ્ટ્રાઇક બોલર તરીકે હવે ગણી શકાય છે. બીજી ઇનિંગ્સમાં તે સતત સારી બોલિંગ કરી રહ્યો છે. કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ અંગેની કબૂલાત કરી છે. તેના રેકોર્ડ પરથી આ બાબત સ્પષ્ટ થઇ જાય છે. બીજી ઇનિંગ્સની વાત કરવામાં આવે તો સામીએ ૮૦ વિકેટો ઝડપી છે. જીતમાં તેની પ્રથમ ઇનિંગ્સમાં ૩૪ અને બીજી ઇનિંગ્સમાં ૪૪ વિકેટો રહેલી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં આફ્રિકા સામે રોમાંચક જીત મેળવી લીધા બાદ ભારતીય ટીમ આફ્રિકા ઉપર ૧-૦ની લીડ ધરાવે છે. સામી તેના શાનદાર દેખાવને જાળવી રાખવા માટે ઇચ્છુક છે. તેનું કહેવું છે કે, બીજી ઇનિંગ્સમાં તે ઘાતક બોલિંગ કરીને વધુ પરિણામ મેળવી રહ્યો છે. અલબત્ત વિકેટોમાં અંતર વધારે નથી પરંતુ સામી પ્રથમ ઇનિંગ્સની સરખામણીમાં બીજી ઇનિંગ્સમાં એકંદરે વધુ સારો રેકોર્ડ ધરાવે છે. પાંચ વિકેટની સિદ્ધિ પણ પ્રથમ ઇનિંગ્સની સરખામણીમાં બીજી ઇનિંગ્સમાં વધારે ઝડપી છે.
બોલિંગ સ્ટ્રાઇક રેટ પણ પ્રથમ ઇનિંગ્સની સરખામણીમાં બીજી ઇનિંગ્સમાં વધારે સારી રહી છે. સામી ઉપર નજર પસંદગીકારોની કેન્દ્રીત થઇ ગઇ છે. બીજી ટેસ્ટ મેચ પુણે ખાતે રમાનાર છે જેની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે.