ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહને આજે ફ્રાંસના પાટનગર પેરિસમાં આયોજિત ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમમાં પ્રથમ રાફેલ ફાઇટર જેટ વિમાન સોંપી દેવામાં આવતા આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. રાફેલને મેળવવા માટે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પોતે વાઇસ ચીફ માર્શલ હરજીતસિંહ અરોરા સાથે ફ્રાંસના બોર્ડોક્સ સ્થિત એરબેઝ પહોંચ્યા હતા જ્યાં હેન્ડઓવર કાર્યક્રમ હેઠળ તેમને પ્રથમ રાફેલ જેટ સોંપવામાં આવ્યું હતું. બોર્ડોક્સ પહોંચ્યા બાદ રાફેલનું નિર્માણ કરનાર કંપની દસા એવિએશનના સીઈઓ એરિક ટ્રેમ્પિયર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હેન્ડઓવર કાર્યક્રમમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સંબોધન પણ કર્યું હતું. સાથે સાથે સાથે ફ્રાંસીસી પ્રમુખ જેકી સિરાજને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમનું હાલમાં જ નિધન થયું હતું.
રાજનાથસિંહે કહ્યું હતું કે, તેઓ ભારત સરકાર અને દેશની પ્રજા તરફથી પ્રમુખ જેકી સિરાજને શ્રદ્ધાંજલિ આપે છે. તેઓએ ભારત અને ફ્રાંસ વચ્ચે સંબંધોને મજબૂત કરવામાં અમારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે આજનો દિવસ ઐતિહાસિક છે. આજે ભારતમાં દશેરા પર્વની ઉજવણી થઇ રહી છે જેને અમે અસત્ય પર સત્યની જીત તરીકે ઉજવીએ છીએ. આજે જ વાયુસેના દિવસ પણ છે. અનેક રીતે આજનો દિવસ પ્રતિકાત્મક છે. ભારતે ફ્રાંસની સાથે ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે એક આંતર સરકારી સમજૂતિ કરી હતી. તેમને આ જોઇને ખુશી છે કે, યોગ્ય સમયે ડિલિવરી થઇ રહી છે. આનાથી ભારતીય હવાઈ દળની તાકાતમાં વધારો થશે. તેમણે ઉમેર્યું હતું કે, મોટી સંખ્યામાં વાયુ સેનાના એરમેન ફ્રાંસમાં ફ્લાઇંગ, મેઇન્ટેનન્સ અને લોજીસ્ટિકના ક્ષેત્રમાં ટ્રેનિંગ મેળવી રહ્યા છે.
સંરક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, અન્ય મુદ્દાઓ ઉપર પણ ફ્રાંસે જે રીતે સહકાર આપ્યો છે તે બદલ અમે ફ્રાંસનો આભાર માનીએ છીએ. બંને લોકશાહી દેશો આગળ પણ શાંતિ, પર્યાવરણ, અન્ય મુદ્દાઓ ઉપર આગળ વધશે. રાફેલમાં ઉંડાણ ભરવા માટેની બાબત તેમના માટે ગર્વની વાત છે. રાફેલ મેળવી લીધા બાદ સંરક્ષણમંત્રીએ દશેરા પર થનારી પારંપરિક શસ્ત્ર પૂજા કરી હતી અને ત્યારબાદ ઉંડાણ ભરી હતી. શસ્ત્રપૂજા માટે એરબેઝ પર જ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતે આશરે ૫૯૦૦૦ કરોડ રૂપિયાના મૂલ્ય પર ૩૬ રાફેલ યુદ્ધવિમાન જેટ ખરીદવા માટે સમજૂતિ કરી હતી. ૨૦૧૬માં ફ્રાંસની સાથે આ મહાકાય સમજૂતિ કરવામાં આવી હતી. ભારતને પ્રથમ ફાઇટર જેટ રાફેલ આજે મળ્યું છે પરંતુ પ્રથમ કાફલો આગામી વર્ષે મે મહિનામાં મળશે. કારણ કે, આને રાખવા અને સંચાલન માટે જરૂરી મૂળભૂત માળખાને તૈયાર કરવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ રાફેલ મળી ગયા બાદ ભારતની તાકાતમાં અનેકગણો વધારો થઇ ગયો છે. નિષ્ણાતોના કહેવા મુજબ આ વિમાન ગેમચેન્જર સાબિત થશે અને આવનાર સમયમાં પાકિસ્તાની એરફોર્સ ઉપર ખુબ દબાણ વધારશે. પાકિસ્તાની એરફોર્સને એક રાફેલને રોકવા માટે હવે બે એફ-૧૬ વિમાન મુકવા પડશે જ્યારે હજુ સુધી ભારતને એક એફ-૧૬ને રોકવા માટે બે સુખોઇ વિમાનને ગોઠવવાની ફરજ પડતી હતી. ઇન્ડિયન એરફોર્સના પૂર્વ ચીફ ટીપનિસનું કહેવું છે કે, જો એરફોર્સની પાસે ફેબ્રુઆરી મહિનામાં જ બાલાકોટ હુમલા વેળા રાફેલ રહ્યું હોત તો પાકિસ્તાનના ઓછામાં ઓછા ૧૨ એફ-૧૬ વિમાનોને ફૂંકી શકાયા હોત. ભારતે રાફેલની સ્કોડ્રોનને ગોલ્ડન એરો નામ આપ્યું છે. આને શરૂઆતમાં હરિયાણા અને બંગાળના એરબેઝ ઉપર તૈનાત કરવામાં આવશે. સંરક્ષણમંત્રીએ આ વિમાન મેળવી લીધા બાદ ખુશખુશાલ દેખાયા હતા.