ગૃહમાં મારામારીને મામલે સસપેન્ડ કરાયેલા જામનગરના ધારાસભ્ય વિક્રમ માડમે ગૃહમાં મચી ગયેલા હોબાળા અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, ” ભાજપ દ્વારા મને બીનસત્તાવાર રીતે બેન કરવામાં આવ્યો હતો. છેલ્લાં કેટલાંક દિવસથી હું પ્રશ્ન પુછવા આંગળી ઉંચી કરું છતાં અધ્યક્ષ મને બોલવા પરવાનગી આપતા નહોતા. અધ્યક્ષનું વલણ ભાજપ તરફી હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળતું હતું. વિધાનસભામાં મને હાથે કરીને ભાજપ દ્નારા ઉશ્કેરવામાં આવ્યો હતો. માતા અને બહેન સામેની ગાળો મને ભાજપના ધારાસભ્યો તરફથી આપવામાં આવી હતી.”
જામનગરના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે કહ્યું હતું કે, “આસારામ કેસમાં દીપેશ અને અભિષેક બાળકોના મોતને મામલે પ્રશ્ન પૂછવા મેં અનેકવાર આંગળી ઉંચી કરી હતી. આ બંને બાળકો જામનગરના હતા. મારે જામનગરની જનતાને જવાબ આપવાનો હોય છે. આમછતાં ગૃહમાં મને બોલવા દેવામાં આવતો નહોતો. મારા ફૂટેજ ઓપન કરો. સત્ર શરૂ થયું ત્યારથી મને બોલવા દેવાયો નથી. મારા એક પણ પ્રશ્નનો જવાબ નથી મળ્યો. ”
વિક્રમ માડમે વધુંમાં કહ્યું હતું કે, “ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મને મારી વાત કરવાનો હક છે પણ મને મોકો આપવામાં આવતો નહોતો. અમરિષભાઈ અને પરેશ ધાનાણીએ પણ મને પ્રશ્ન પૂછવા કહ્યું હતું. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા દેવામાં આવતી નથી. બહુમતી અને પ્રેમથી રાજ કરવામાં ઘણું અંતર રહેલું છે. હું જેટલી વખત ઉભો થયો તેટલી વાર મને બેસાડી દેવામાં આવ્યો હતો. એટલુંજ નહિં મને ગાળો આપીને ઉશ્કેરવામાં આવ્યો હતો. મને માતા બહેન સામેની ગાળો બોલ્યા.”
વિક્રમ માડમે વધુંમાં કહ્યું હતું કે, ” આસારામનો રિપોર્ટ કેમ મેઝ પર મુકવામાં નથી આવતો? અધ્યક્ષનું પક્ષપાતી વલણ કેમ ચલાવી લેવાય ? મારો વાંક હશે તો જાહેરમાં માફી માંગીશ. ગાળો બોલનારા સામે પોલીસ ફરિયાદ કરીશું.”