ઇસરોએ મંગળયાન ટુની તૈયારી આદરી દીધી હોવાની સત્તાવાર માહિતી પોતાના ટ્વીટર હેન્ડલ પર આપી હતી.
આગામી ત્રણેક વર્ષમાં દુનિયાને ગૌરવભેર કહી શકશે, કોપી ધેટ… આ યાનને માર્સ ઓર્બિટર મિશન ટુ એવું નામ અત્યારે અપાયું છે. નામ પરથી એવી છાપ પડે છે કે આ વખતે પણ મંગળની આસપાસ સતત ચક્કર મારે એવું આ મંગળયાન હશે. એક અંદાજ એવો પણ છે કે આ યાન સાથે લેંડ રોવર પણ મોકલવામાં આવશે.
પહેલું મંગળયાન ૨૦૧૩ના નવેંબરની પાંચમીએ લોંચ કરાયું હતું અને એને મંગળ સુધી પહોંચતાં ૧૧ મહિના લાગ્યા હતા. એને માત્ર છ મહિના માટે મંગળ પર મોકલાયું હતું પરંતુ છેલ્લાં પાંચ વર્ષથી એ સતત કાર્યશીલ રહ્યું છે અને હજુ સુધી ઇસરોના સેન્ટર્સમાં વિવિધ માહિતી મોકલતું રહ્યું છે. ભારતના આ પહેલા મંગળયાને સફળતાપૂર્વક પોતાની કામગીરી કરીને સમગ્ર દુનિયાને દંગ કરી દીધી હતી.
મંગળયાન ઇસરોએ એકલે હાથે પાર પાડેલું મિશન હતું જેણે સમગ્ર વિશ્વને વિસ્મયનો અનુભવ કરાવ્યો હતો. અગાઉ દુનિયાના કોઇ દેશે મંગળ તરફ આ રીતે પોતાનું યાન મોકલ્યું નહોતું એટલે ભારતીય વૈજ્ઞાનિકોએ પોતાની કાબેલિયત પુરવાર કરી આપી હતી. આ મિશનમાં કામિયાબી મેળવનાર ભારતીય વિજ્ઞાનીઓ પહેલા હતા. ૨૦૧૪ના સપ્ટેંબરની ૨૪મીએ એને મંગળની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવ્યું હતું અને આજ સુધી એ કાર્યરત રહ્યું છે.