પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક દિવસની સ્થિરતા બાદ ગુરૂવારે સવારે ફરીથી ઘટાડો જોવા મળ્યો. આ પહેલાં સતત છ દિવસના ઘટાડા બાદ બુધવારે ભાવ સ્થિર રહ્યા હતા. ગત મહિને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રેકોર્ડબ્રેક તેજી બાદ ઓક્ટોબરની શરૂઆતમાં કિંમતમાં ઘટાડાનો દૌર શરૂ થયો હતો. ૩ ઓક્ટોબરથી શરૂ થયેલા ઘટાડાનો સિલસિલો ૮ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. હવે ૧૦ ઓક્ટોબરના રોજ ફરીથી ઘટાડો આવ્યો છે. ગુરૂવારે સવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૫૪ પૈસા અને ડીઝલના ભાવમાં ૬ પૈસાનો ઘટાડો આવ્યો છે.
દિલ્હીમાં ગુરૂવારે સવારે પેટ્રોલનો ભાવ ૭૩.૫૪ રૂપિયા લીટરના સ્તર પર પહોંચી ગયો છે. તો બીજી તરફ ડીઝલ ૬૬.૭૫ રૂપિયે પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ ક્રમ્શઃ ૭૬.૧૮ રૂપિયા, ૭૯.૧૫ રૂપિયા અને ૭૬.૩૯ રૂપિયાના સ્તર પર છે. ડીઝલનો ભાવ પણ ક્રમશઃ ૬૯.૧૧ રૂપિયા, ૬૯.૯૭ રૂપિયા અને ૭૦.૫૨ રૂપિયાના સ્તર પર છે. જાણકારોનું કહેવું છે કે હાલ ક્રૂડના ભાવમાં વધુ ઘટાડો આવી શકે છે.
સાઉદી અરામકો પર હુમલા બાદ અત્યાર સુધી પેટ્રોલમાં લગભગ અઢી રૂપિયા પ્રતિ લીટરની તેજી નોંધવામાં આવી હતી અને ડીઝલ પણ દોઢ રૂપિયા વધુ મોંઘુ થઇ ગયું છે. ગુરૂવારે સવારે બ્રેંટ ક્રૂડ ૫૮.૧૫ ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ ૫૨.૪૩ ડોલર પ્રતિલ બેરલના સ્તર પર પહોંચી ગયું છે.