સેંસેક્સ ૨૯૮ પોઇન્ટ ઘટી ૩૭,૮૮૦ની સપાટી ઉપર

376

શેરબજારમાં એક દિવસની તેજી બાદ ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. બેંકિંગ કાઉન્ટરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી બેંકમાં અગાઉના સેશનમાં ૧૦૦૦ પોઇન્ટથી વધુનો ઉછાળો નોંધાયા બાદ આજે કડાકો બોલી ગયો હતો અને તેમાં આશરે ૮૦૦ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. ગઇકાલે થયેલા નફાના મોટાભાગના હિસ્સાને આજે ફરી એકવાર ગુમાવી દેવાની ફરજ પડી હતી. બીએસઈ સેંસેક્સ આજે કારોબારના અંતે ૨૯૮ પોઇન્ટ ઘટીને ૩૭૮૮૦ની સપાટીએ રહ્યો હતો. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં છ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો જ્યારે ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ પાંચ ટકાનો ઉછાળો રહ્યો હતો. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી અને એસબીઆઈના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. દિવસ દરમિયાન ઇન્ડેક્સ ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ૩૮૧૩૦ની ઉંચી અને ૩૭૮૦૨ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૨૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૭૪૮ રહી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૭૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૨૭૨૩ રહી હતી. એનએસઈમાં બ્રોડર નિફ્ટી ૭૯ પોઇન્ટ ઘટીને ૧૧૨૮૪ની નીચી સપાટીે રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો એનએસઈમાં તમામ ઇન્ડેક્સમાં મંદી જોવા મળી હતી. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં છ ટકાનો ઘટાડો રહ્યો હતો. ભારતી એરટેલના શેરમાં બાવન સપ્તાહની ઉંચી સપાટી જોવા મળી હતી. કારોબાર દરમિયાન તેમાં એક વખતે સાત ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો. રિલાયન્સ જીઓની જાહેરાત બાદ તેના શેરમાં તેજી આવી હતી. ઓફ નેટકોલ પર પ્રતિમિનિટ છ પૈસાનો ચાર્જ લેવાની જાહેરાત બાદ તેમાં તેજી જામી હતી. ગઇકાલે ટાઈટન કંપનીના શેરમાં છ ટકાનો ઘટાડો રહ્યો હતો. તાતા ગ્રુપનું કહેવું છે કે, જ્વેલરી બિઝનેસમાંથી રેવેન્યુ છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત ઘટી શકે છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત તેમાં ઘટાડો થવા જઈ રહ્યો છે.

ડીએચએફએલની મુશ્કેલી આગામી દિવસોમાં વધી શકે છે. કારણ કે, કંપનીના ટોપના લોકો તપાસના સકંજામાં આવી ગયા છે. તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે. શેરબજારમાં ગઇકાલે જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. સેંસેક્સ ગઇકાલે ૬૪૬ પોઇન્ટ ઉછળીને ૩૮૧૭૮ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૮૭ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૫૧૩ રહી હતી.

Previous articleજનતાને રાહત..!! પેટ્રોલમાં ૫૪ પૈસા અને ડીઝલના ભાવમાં ૬ પૈસાનો ઘટાડો
Next articleકૌટુંબિક દિયરે આડા સંબંધના વહેમમાં ભાભીની હત્યા કરતા ખળભળાટ