તમિળનાડુના યુનેસ્કો હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવનાર મમલ્લાપુરમ (મહાબલીપુરમ) ખાતે બેઠકોનો દોર શરૂ થઇ રહ્યો છે. ચીનના પ્રમુખ શી જિંગપિંગ આવતીકાલે બે દિવસની યાત્રા ઉપર પહોંચી રહ્યા છે. તેમની ભારત યાત્રા પર દુનિયાભરના દેશોની નજર કેન્દ્રીત થઇ ગઇ છે. મોદી અને શી જિંગપિંગ વચ્ચે ૧૧-૧૨મી ઓક્ટોબરના દિવસે યોજાનારી મિટિંગમાં શ્રેણીબદ્ધ મુદ્દાઓ ઉપર ચર્ચા થશે જેમાં વાસ્તવિક અંકુશરેખા (એલએસી)ને સ્થિર રાખવા, આતંકવાદ વિરોધી પાર્ટનરશીપને વધુ અસરકારક બનાવવા અને ચીન સાથેના ભારતના વેપાર કારોબારમાં રહેલી ખાધને દૂર કરવા માટેના પગલા ઉપર ચર્ચા થશે. વડાપ્રધાન મોદી આ તમામ મુદ્દા પર ચીની પ્રમુખ સાથે વાતચીત કરનાર છે.
આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના મુદ્દો ઉઠે તેમ પણ કેટલાક લોકો માની રહ્યા છે. જો કે, ચીનના નિવેદનમાં એક દિવસ બાદ જ ભારતે સ્પષ્ટતા કરી દીધી છે કે, જમ્મુ કાશ્મીર ભારતનો અખંડ ભાગ અને ચીનના આંતરિક મામલામાં દરમિયાનગીરી કરવાના વલણથી ભારત ખુશ નથી. આનો મતલબ એ થયો કે, કાશ્મીરનો મુદ્દો આ બેઠકમાં છવાશે નહીં. બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક શિખર બેઠક માટે મમલ્લાપુરમ સંપૂર્ણપણે તૈયાર છે. ચીની પ્રમુખનું સ્વાગત કરવા માટે તૈયારી કરી લેવામાં આવી છે.
આ વર્ષે ત્રીજી વખત બંને નેતાઓ મળી રહ્યા છે. વાતચીત દરમિયાન બંને નેતાઓ ખાસ પ્રતિનિધિસ્તરની મંત્રણાના આગામી દોર ઉપર ચર્ચા કરશે જેમાં સરહદી મુદ્દાઓ ઉપર ચર્ચા થશે. મળેલી માહિતી મુજબ ચીન સાથે અગાઉ વાતચીતને અટકાવી દેવામાં આવી હતી.
પાંચમી ઓગસ્ટના દિવસે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદ ચીનના વલણથી નારાજ થઇને ભારતે આ વાતચીત રોકી હતી. વુહાનમાં અનૌપચારિક શિખર બેઠક યોજાયા બાદથી બંને નેતાઓ વચ્ચે આ છઠ્ઠી બેઠક યોજાઈ રહી છે જેમાં વિશ્વાસ નિર્માણના પગલા પર મુખ્યરીતે ચર્ચા થશે. એપ્રિલ ૨૦૧૮માં વુહાન ખાતે પ્રથમ અનૌપચારિક શિખર બેઠક યોજાઈ હતી ત્યારબાદથી ચીને ભારતમાંથી ખાંડ અને ચોખાની આયાત શરૂ કરી છે. જો કે, ટ્રેડ બેલેન્સ હજુ પણ ચીનની તરફેણમાં જાય છે. ચીની પ્રમુખ શી જિંગપિંગની ઐતિહાસિક યાત્રા આવતીકાલથી શરૂ થઇ રહી છે. આ યાત્રાને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી તમામ સંબંધિત વિભાગો તૈયારીમાં લાગેલા હતા. ઝિનપિંગ એવા સમય પર ભારત આવી રહ્યા છે જ્યારે કલમ ૩૭૦ની નાબુદીના મુદા પર ભારત અને પાકિસ્તાન સામ સામે આવેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઝિનપિંગ વચ્ચે ૨૪ કલાકથી પણ ઓછા સમયગાળામાં ચાર જેટલી બેઠક યોજાનાર છે. જેમાં ત્રાસવાદ સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવનાર છે. સેંકડો વિદ્યાર્થીઓ અને ડાન્સરો ચીની પ્રમુખ માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમને લઇને રિહર્સલમાં લાગેલા છે. બંગાળના અખાત પર નેવી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષાને વધારવા જહાજોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દરિયાકાંઠા ઉપર સુરક્ષા પણ તીવ્ર કરી દેવામાં આવી છે. બીચ સાઇડ રિસોર્ટ ઉપર આ તમામ બેઠકો શરૂ થનાર છે. મોદી અને જિંગપિંગ વચ્ચે અનેક વખત બેઠક યોજાનાર છે. તમિળનાડુ પોલીસના ૮૦૦ પોલીસ જવાનો ટ્રાફિકની કામગીરીમાં લાગી ચુક્યા છે. આઈટીસી ગ્રાન્ડ હોટલમાંથી સુવિધા વધારવામાં આવી રહી છે. ચીની પ્રતિનિધિમંડળ મમલાપુરમ ખાતે રોકાનાર છે. ઝિનપિંગ આવતીકાલે શુક્રવારના દિવસે ચેન્નાઈ પહોંચી રહ્યા છે. આને લઇને ચેન્નાઇમાં તડામાર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમના સ્વાગત માટે તમામ સંબંધિત વિભાગો તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મમલાપુરમ ખાતે જિંગપિંગ દ્વિપક્ષીય મંત્રણાઓ યોજનાર છે. મમલાપુરમ ખાતે આખરીઓપ તમામ વિસ્તારને આપવા કારિગરો લાગેલા છે. અહીં મ્યુનિસિપલ કર્મીઓ સાફ સફાઈમાં લાગેલા છે. બીજી બાજુ અન્ય વર્કરો કામચલાઉ માળખાકીય સુવિધા વિકસિત કરી રહ્યા છે. તમામનું ધ્યાન ખેંચાય તે રીતે પ્રયાસ થઇ રહ્યા છે. બીજી બાજુ મંદિરો અને અન્ય સ્મારકો ખાતે પ્રવાસીઓની એન્ટ્રી રોકી દેવામાં આવી છે.