ભારતીય મહિલા સ્ટાર બોક્સર એમસી મેરી કોમને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં શનિવારે નિરાશા હાથ લાગી હતી. ચેમ્પિયનશીપની સેમિફાઈનલમાં મેરી કોમની સાતમું ગોલ્ડ મેડલ જીતવાની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. મેરી કોમ આ મુકાબલામાં તુર્કીની બોક્સર ૪-૧થી હારનો સામનો કરવો પડ્યો હતો.
સેમિફાઈનલમાં હાર બાદ મેરી કોમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડશે. આ પહેલાં સેમિફાઈનલમાં પહોંચતાં જ મેરી કોમ વિશ્વ ચેમ્પિયનશીપના ઈતિહાસની સૌથી સફળ બોક્સર બની હતી. તેણે સેમિફાઈનલમાં પહોંચીને ભારત માટે આઠમું મેડલ પાક્કું કરી દીધું છે.
આ પહેલાં છ વખત વિશ્વ ચેમ્પિયનનું ગોલ્ડ મેડલ હાંસલ કરેલી મેરી કોમ રેફરીના નિર્ણયથી ખાસ્સી નારાજ થઈ હતી. ભારતને પોતાની સ્ટાર બોક્સર પાસેથી સાતમા ગોલ્ડ મેડલની ઉમ્મીદ હતી.
મેચમાં મેરી કોમે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. પણ તે ફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી.
મેચના અધિકારીએ જે પ્રકારે તેમને પોઇન્ટ આપ્યા તેના કારણે મેરીકોમ ખુબ જ પરેશાન જોવા મળ્યા હતા. ભારતીય બોક્સિંગ ફેડરેશને આ મુદ્દે અપીલ કરી અને યલોકાર્ડ આપ્યું. જો કે બીએફઆઇની આ અપીલને ફગાવી દીધી હતી. ત્યાર બાદ મેરીકોમે આખી મેચનો વીડિયો જ ટ્વીટર પર શેર કરી દીધો અને મેચમાં પોઇન્ટ આપવાના મુદ્દે સવાલ ઉઠાવ્યો. મેરીએ ટ્વીટમાં રમત મંત્રી અને વડાપ્રધાનને પણ ટેગ કર્યા હતા. મેરીએ પોતાનાં ટ્વીટમાં કહ્યું કે, કઇ રીતે અને કેમ સમગ્ર વિશ્વ જાણે કે નિર્ણય કેટલો યોગ્ય અને કેટલો ખોટો હતો.