કચ્છની દરિયાઈ સીમા પર ૫ ફિશિંગ બોટ પકડાઈ છે. બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન હરામી નાળા વિસ્તારમાંથી પાંચ પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. તપાસ કરતા આ બોટમાંથી માછીમારીનો સામાન મળ્યો છે. ત્યારે એજન્સીઓએ આ મામલે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પાણીની અંદર હુમલો કરવા માટે સક્ષમ પાકિસ્તાનના ટ્રેઈન્ડ કમાન્ડો કચ્છની ખાડી પાસેથી ઘૂસણખોરી કરવાની આશંકાના કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના ઈનપૂટ બાદથી ગુજરાત તટ પર હાઈ અલર્ટ જાહેર કરી દેવાયો છે. એવા ઈનપુટ મળ્યા હતાં કે આ કમાન્ડ સરક્રીક વિસ્તારમાં ’હરામી નાળા’ દ્વારા ભારતમાં પ્રવેશ કરી શકે છે. આ પહેલા બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ૫ ઓક્ટોબરના કચ્છમાં સરક્રીક નજીક પાકિસ્તાનની બિનવારસુ બે બોટ મળી આવી હતી. આ બોટમાંથી પણ માછીમારીનો સામાન મળ્યો હતો. સરહદ સુરક્ષા દળ (બીએસએફ)એ કચ્છના દરિયાકાંઠે સરક્રીક નજીક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેમાં બે બોટ પકડાઈ હતી. હરામી નાળા ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભારત અને પાકિસ્તાનને વહેંચતી ૨૨ કિમી લાંબી સમુદ્રી ચેનલ છે. તે બંને દેશો વચ્ચે સરક્રીક વિસ્તારની ૯૬ કિમી વિવાદિત સરહદનો ભાગ પણ છે. ૨૨ કિમીનો એરિયા ધરાવતું ’હરામી નાળા’ આમ જુઓ તો ઘૂસણખોરો અને તસ્કરો માટે સ્વર્ગ સમાન કહેવાય છે. આ જ કારણે તેનું નામ ’હરામી નાળા’ પડ્યું છે. અહીં પાણીનું સ્તર હવામાનના કારણે સતત બદલાતુ રહે છે. આથી પણ તે અત્યંત ખતરનાક પણ મનાય છે. એવું કહેવાય છે કે વર્ષ ૨૦૦૮માં પાકિસ્તાની આતંકીઓએ ભારતીય માછીમારની બોટ કુબેરને સરક્રીક વિસ્તારથી પકડી અને ત્યાંથી તેઓ ગુજરાત આવ્યાં અને મુંબઈ પહોંચી ત્યાં હુમલો કર્યો. આ વિસ્તારમાં મોટાભાગે પાકિસ્તાનની ખાલી પડેલી નાવડીઓ મળી આવે છે. હરામી નાળાની અંદર માછલી પકડવા પર રોક છે. પરંતુ ત્યાં ઝીંગા માછલી અને રેડ સેમેન માછલી મળી આવી છે.
જેની ખુબ માંગ છે. આ જ કારણે આ નાળું ભારત અને પાકિસ્તાન બંનેના માછીમારો માટે પસંદગીની જગ્યા છે.