મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરત શહેરના વેસુ ખાતે પંચશિખરબદ્ધ ‘ લબ્ધિ વિક્રમ આરાધના સંકુલ’નું ભૂમિપૂજન કરતા જણાવ્યું હતું કે, ભગવાન મહાવીરના અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતના સિદ્ધાંતો સ્વીકાર્યા વિના વિશ્વને ચાલશે નહિ. આચાર્ય પદ્મયશસુરીશ્વરજી મ.સા. અને આચાર્ય અજિતયશસુરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ગુરૂકૃપા શ્વેતામ્બર મૂર્તિપુજક જૈન સંઘ, વેસુ દ્વારા આયોજિત ભૂમિપૂજન સમારોહમાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનના દુંરદેશીભર્યા ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ના મહામંત્રને અનુસરીને બધા સમાજને સાથે રાખી ચાલનારી આ સરકારે સમરસતાનો સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ સુરતને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનીટી- તકોની ભૂમિ ગણાવતાં કહ્યું કે, સુરતના સમાજ શ્રેષ્ઠીઓએ પોતાની સંપત્તિને સારા માર્ગે વાળીને સમાજસેવા અને ધર્મસેવાની જ્યોત જગાવી છે. આ સંદર્ભમાં તેમણે ભગવાને આપેલી સંપત્તિનો સમાજના કલ્યાણ માટે ઉપયોગ કરનારા દાતા શાહ પરિવારને પંચશિખરબદ્ધ જિનાલયના નિર્માણ માટે શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, શરીર કરતા આત્માનું મહત્વ સમજીને ભૌતિક સુખો કરતા શાશ્વત સુખોને કેન્દ્રસ્થાને રાખી નિર્માણ પામનાર આ જિનાલય માનસિક શાંતિ અને શ્રદ્ધાનું કેન્દ્ર બની રહેશે. આ ભવ્ય જૈન આરાધના સંકુલ દ્વારા અનેક આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો લાભ સૂરતની જનતાને મળતો રહેશે.
આસ્થા અને આધ્યાત્મિક ચેતનાના કેન્દ્ર સમા ધર્મસ્થાનોએ માનવીને માનસિક શાંતિ આપી છે, ત્યારે શાંતિ અને શાશ્વત સુખની પરિભાષા દ્વારા નિજાનંદથી આત્માના કલ્યાણ માટે માનવી શરીર, મન અને બુધ્ધિ સાથે આત્મકલ્યાણ તરફ આગળ વધે તેવી નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, ધ્યાન અને સાધના દ્વારા મનુષ્ય નિર્મળ બને છે.
ગુજરાતની ભૂમિ હેમચંદ્રાચાર્ય, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ હોવાનું ઉલ્લેખ કરીને તેમણે ઉમેર્યું કે, ગુજરાતની ધરાએ સોમનાથ, દ્રારકા, ડાકોર, પાલિતાણા જેવા ધાર્મિક સ્થળો આધ્યાત્મિક ચેતના જગાવી રહ્યા છે. ‘સમાજ સુખી તો આપણે સુખી’ એ ભાવ સાથે છેવાડાના માનવીઓનો વિકાસ થાય તેવી ભાવના સાથે શિક્ષણ અને આરોગ્યના ધામો વધે, જલાયે દિપ વહા, જહાં હો અંધેરા ઘના’ની ઉક્તિને સાર્થક કરી આગળ વધીએ. સાધુ ભગવંતોના સમાગમથી લોકો પોતાના આત્માની શુધ્ધિ માટે સાત્વિક બને તેવી ભાવના વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ મહાવીર સ્વામીના સદ્દવિચારોના વાહકો એવા સાધુ ભગવંતોની સાત્વિકતાને જીવનમાં ઉતારવાનો અનુરોધ કર્યો હતો. આ વેળાએ દાતા પરિવાર દ્વારા મુખ્યમંત્રીનું શાલ, સ્મૃતિ ચિહ્ન અને માલ્યાર્પણ કરીને સન્માન કરી તેમને આગામી ૧૮ જાન્યુઆરી,૨૦૨૦ ના રોજ યોજાનાર પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જૈનાચાર્ય અજિતયશસૂરીશ્વરજી, સંસ્કારયસવિજયજી મહારાજ, પહમયશસુરીશ્વરજી, હેમચંદ્ર સાગરસૂરજી, રશ્મીરત્નસુરીજી, સાગરચંદ્ર સાગરજી, મુકિતનિલય સૂરિજી, વિમલપ્રભ સૂરીજી, એમ આઠ આચાર્યોનું પ્રભાવક સાનિધ્ય મળ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ દર્શનાબેન જરદોશ, સી.આર. પાટીલ, ધારાસભ્ય વિવેક પટેલ, હર્ષ સંઘવી, મુકેશભાઈ પટેલ, વી.ડી. ઝાલાવડીયા, સંગિતાબેન પાટીલ, પક્ષના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, સંગઠન શહેર પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા, જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા, મ્યુ.કમિશનર બંછાનિધી પાની, પિયુષ દેસાઈ, ટ્રસ્ટીઓ જિગરભાઈ, હેતલભાઈ, દેવેનભાઇ સહિત વિવિધ જૈન સંઘોના ટ્રસ્ટીઓ, સાધુ-સાધ્વી ભગવંતો અને જૈન શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.