મહાન ક્રિકેટર કપિલ દેવે ભારતના વર્તમાન ઝડપી બૉલિંગના આક્રમણની પ્રશંસા કરતા કહ્યું હતું કે ફાસ્ટ બૉલરોએ છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો છે.
રાષ્ટ્રનું હાલનું ઝડપી ગોલંદાજીનું આક્રમણ શ્રેષ્ઠ છે? એમ પૂછવામાં આવતા કપિલે સંમતિ દર્શાવી હતી.
આવું ફાસ્ટ બૉલિંગનું આક્રમણ અમે જોયું અને વિચાર્યું પણ ન હતું અને છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં આપણા ફાસ્ટ બૉલરોએ ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો છે, એમ કપિલે કહ્યું હતું.
ભારત પાસે હાલમાં જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, મોહંમદ શમી, ઈશાંત શર્મા, દીપક ચહર અને નવદીપ સૈની જેવા સારા ફાસ્ટ બૉલર છે.
બુમરાહ દક્ષિણ આફ્રિકા સામે વર્તમાનમાં રમાતી ટેસ્ટ શ્રેણીમાંથી તેની કમરમાં ભારે શ્રમના કારણે પડેલા ફ્રેેક્ચરના કારણે બાકાત થઈ ગયો છે અને તેની ગેરહાજરીમાં શમીએ જવાબદારી સંભાળી લેતા વિશાખાપટ્ટનમ ખાતેની પહેલી ટેસ્ટમાં પ્રવાસી ટીમની બૅટિંગમાં ગાબડાં પાડી ભારતને વિજય મેળવી આપ્યો હતો.
કપિલે અહીં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે શમી વિશ્ર્વમાં ટોચના ૧૦ બૉલરોની યાદીમાં ન હોવા છતાં, ટીમમાં તેની ઉપયોગિતા ઘણી છે.