નર્મદાના પાણી ખેડૂતોને સિંચાઈ માટે આજથી બંધ કરવામાં આવનાર છે. પીવાના પાણીનું આયોજન પણ ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિ નર્મદા માટે ચિંતાજનક છે. લાખો ખેડુતોના જીવનનો સવાલ છે.
ગૃહ હાલમાં ચાલુ છે ત્યારે આ વિષય ઉપર દુર્લક્ષ સેવી શકાય નહી માટે નર્મદા યોજના વિશે જેમ ભૂતકાળમાં ખાસ દિવસો સાફવીને ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી તેમ અત્યારે પણ ગૃહમાં આ વિષયમાં વિસ્તૃત ચર્ચા અતિ જરૂરી બની છે. ભૂતકાળમાં સ્વીકારેલા સિધ્ધાંતો મુજબ નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. અને તેને પક્ષાપક્ષીથી પર રહીને વિશેષ રીતે મુલવવામાં આવી છે. ગૃહમાં આ અંગેની ચર્ચા અતિ આવશ્યક છે. માટે ખાસ કિસ્સા તરીકે આ વિષયના સંદર્ભમાં ગૃહમાં ખાસ સમય ફાળવી ગૃહમાં ચર્ચા કરવામાં આવે એવી રાજયના હિતમાં અને કિસાનો અને પ્રજાના હિતમાં અમારી વિનંતી છે.
ગૃહમાં આ વિષયને ખાસ રીતે ચર્ચા થાય તેવી લાગણી પૂર્વ સીએમ સુરેશચંદ્ર મહેતા, પ્રબુધ્ધ નાગરિક ગૌતમભાઈ ઠાકર અને પી.યુ.સી.એલ. ના મહેશભાઈ પંડયા દ્વારા વ્યકત કરાઈ હતી.