શહેરનાં રામોલ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ અર્જુન ભરવાડ પર બુટલેગરોએ હુમલો કરવાના કેસમાં હજુ આરોપી પકડાયા નથી. ત્યાં હવે નિકોલ પોલીસ એક આરોપીને પકડવા જતા પોલીસની ગાડી સાથે અન્ય ગાડી અથાડી આરોપી ભાગી ગયો હતો. આરોપીને પકડવા અનેક કિલોમિટર સુધી પોલીસે પીછો કર્યો પણ આરોપી પકડાયો ન હતો. જેથી પોલીસે આરોપી સામે હત્યાનાં પ્રયત્નનો ગુનો નોંધ્યો છે.
નિકોલ પોલીસ સ્ટેશનનાં સર્વેલન્સ સ્ક્વોડમાં હે.કો. ચંદુભાઇ ફરજ બજાવે છે. થોડા દિવસ પહેલા લૂંટ અને ધમકીની ફરિયાદને પગલે પોલીસ આરોપી વિરાટનગરમાં રહેતા જયસિંગ રાજપૂતને પકડવા ગઇ હતી. જયસિંગના ઘરે પોલીસ પહોંચી તો તે કાર લઇને ફ્લેટની નીચે ઉભો હતો. જેવી પોલીસની ગાડી જોઇ કે તેણે ગાડી રોંગ સાઇડમાં ભગાવી મૂકી હતી. પોલીસે બુમો મારી તેને ઉભો રાખવાનો પ્રયાસ કર્યો પણ તે ઉભો રહ્યો ન હતો. ત્યાં પોલીસની ગાડી સાથે ટક્કર મારી તે ત્યાંથી રોંગ સાઇડમાં જ કાર લઇને ભાગ્યો હતો. પોલીસે વિરાટનગરથી છેક ઓઢવ બીઆરટીએસ બસ સ્ટેન્ડ સુધી પીછો કર્યો હતો પણ આરોપી પકડાયો ન હતો.
આખરે પોલીસે સરકાર તરફે આરોપી જયસિંગ રાજપૂત સામે આઇપીસી ૨૨૪, ૩૦૭, ૨૭૯, ૩૪ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.