શેરબજારમાં આજે જોરદાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સમાં છેલ્લા કલાકમાં જોરદાર માહોલ જોવા મળ્યો હતો. જો કે, છેલ્લા કલાકમાં ઇન્ડેક્સે દિશા ગુમાવી દેતા તેજી ઘટી ગઈ હતી અને કારોબારના અંતે સેંસેક્સ ૮૭ પોઇન્ટ સુધરીને ૩૮૨૧૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો. દિવસ દરમિયાન ઇન્ડેક્સ ૩૮૫૧૪ની ઉંચી અને ૩૮૦૬૬ની નીચી સપાટીએ રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન ટીસીએસ, એક્સિસ બેંક, ઓએનજીસી, એચડીએફસી બેંક અને ભારતી એરટેલના શેરમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. ઇન્ફોસીસ અને બજાજ ફાઈનાન્સના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં નિફ્ટી ૨૫ પોઇન્ટ સુધરીને ૧૧૩૨૯ની સપાટીએ રહ્યો હતો તેમાં ૦.૨૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો. માર્કેટ બ્રીડ્થ આજે નકારાત્મક રહી હતી. બીએસઈમાં ૨૭૩૪ કંપનીઓના શેરમાં કારોબાર થયો હતો જે પૈકી ૧૨૨૯ શેરમાં તેજી અને ૧૨૭૯ શેરમાં મંદી રહી હતી. ૨૨૬ શેરમાં યથાસ્થિતિ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૬૦ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૮૪૧ રહી હતી જ્યારે સ્મોલકેપમાં ૧૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૨૭૮૮ રહી હતી. સેક્ટરલ મોરચા પર જોવામાં આવે તો નિફ્ટી આઈટી અને નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ સિવાય તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં આજે તેજી રહી હતી. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં સૌથી વધુ તેજી જામી હતી. નિફ્ટી ઓટો અને નિફ્ટી ફાર્માના શેરમાં પણ તેજી રહી હતી. ભારતીય રેલવેના કેટરિંગ અને ટ્યુરિઝમ કોર્પોરેશનના શેરમાં લિસ્ટેડ થયા બાદ તેજી જામી હતી. અંતે તેના શેરની કિંમત ૭૨૮ રૂપિયા બોલાઈ હતી. વ્યક્તિગત શેરની વાત કરવામાં આવે તો અદાણી ગેસના શેરમાં ૧૮ ટકાનો મોટો ઉછાળો નોંધાયો હતો. કારણકે, કંપનીએ જાહેરાત કરી હતી કે, ફ્રાંસની મહાકાય કંપની ટોટલ એસએ દ્વારા તેમાં ૩૭.૪ ટકા હિસ્સેદારી મેળવનાર છે. આ શેરમાં અંતે ૯.૫૦ ટકાનો ઉછાળો રહેતા તેની કિંમત ૧૫૦.૬૦ રહી હતી. બીજી બાજુ ઇન્ફોસીસના શેરમાં ચાર ટકાની આસપાસનો ઘટાડો રહ્યો હતો જેથી રોકાણકારો દુવિધાભરી સ્થિતિમાં દેખાયા હતા. વૈશ્વિક મંદી અને સાથે સાથે ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરને લઇને દહેશતની અસર બજાર ઉપર જોવા મળી હતી.
વૈશ્વિક ઇન્ડેક્સમાં મંદી જોવા મળી હતી. તમામ યુરોપિયન દેશોના ઇન્ડેક્સમાં નીચેની સપાટી જોવા મળી હતી. શેરબજારમાં ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન આશરે એક ટકાનો ઉછાળો નોંધાયા બાદ બેંચમાર્ક ઇન્ડેક્સમાં છેલ્લા કલાકમાં વેચવાલી રહી હતી.