ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા ભાવનગર શહેર ખાતે આવેલ રૂવાપરી માતાજીના મંદિરે કરવામાં આવનાર વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે શહેરના પૂર્વ તથા પશ્ચિમ દિશાએ બિરાજમાન દૈવી શક્તિઓ માં ખોડીયાર તથા માં રૂવાપરી ભાવનગરના લોકોને તમામ પ્રકારની કુદરતી આફતો કે આપત્તિઓથી સુરક્ષિત રાખે છે. એવા માતાજી રૂવાપરીમાંના મંદિરને સરકાર દ્વારા એક કરોડ એંશી લાખના ખર્ચે વિવિધ કામો થકી વિકસીત કરાશે.જેમાં મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર, કમ્પાઉન્ડ વોલ, મંદિર પરિસરમાં પેવર બ્લોક ફ્લોરિંગ, પાર્કિંગ સુવિધા, મેળા ગ્રાઉન્ડમાં પેવર બ્લોક ફ્લોરિંગ, શૌચાલય, તેમજ પરબની સુવિધાનો ઉમેરો કરી યાત્રાળુઓ તથા ભક્તજનોની સુવિધાઓમાં વધારો કરાશે.આ સિવાય ભાવનગરના તરસમીયા, રવેચી મંદિર વગેરે જેવા સ્થળોને પણ આગામી સમયમાં વિકસીત કરવામાં આવશે. આ પ્રસંગે મહંત સીતારામ બાપુએ અતિ પ્રાચિન એવા રૂવાપરી માતાજીના મંદિરનો ઇતિહાસ જણાવ્યો હતો અને રાજ્યમંત્રી દ્વારા હાથ ધરવામા આવેલ આ જીર્ણોધારના શુભ કાર્ય બદલ મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં મહંત સીતારામ બાપુ, ભાવનગર મહાનગરપાલિકાના મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, એક્સલ ક્રોપ કેરના અમિતભાઈ તથા સૈની, રૂવાપરી મંદિરના ટ્રસ્ટી પિયુષભાઈ ગાંધી, રાજુભાઈ બાંભણિયા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સોલંકી, પદાધીકારીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.