એચડીએફસી બેંક, એચયુએલ, આઈટીસી, મારુતિ જેવા પસંદગીના બ્લુચીપ કાઉન્ટરો પર જામેલી જોરદાર લેવાલીના પરિણામ સ્વરુપે આજે શેરબજારમાં તેજી રહી હતી. વૈશ્વિક બજારમાં પણ તેજી જામી હતી. બીએસઈ સેંસેક્સ આજે ૨૯૨ પોઇન્ટ ઉછળીને ૩૭૫૦૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે એનએસઈમાં નિફ્ટી ૧૧૪૦૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. આજે નિફ્ટીમાં ૮૭ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૧૪૨૮ રહી હતી. સેંસેક્સના ૩૦ ઘટક શેરો પૈકી ૨૪ શેરમાં તેજી અને છ શેરમાં મંદી રહી હતી. વેદાંતાના શેરમાં ચાર ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો જે સૌથી મોટો ઉછાળો આજે રહ્યો હતો. ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. માર્કેટ બ્રીડ્થ વેચવાલીની તરફેણમાં રહી હતી. આજે બીએસઈમાં ૨૬૫૭ કંપનીઓના શેરમાં કારોબાર થયો હતો જે પૈકી ૧૩૬૩ શેરમાં મંદી રહી હતી અને ૧૧૦૪ શેરમાં તેજી રહી હતી. ૧૯૦ શેરમાં યથાસ્થિતિ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૯૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૯૪૦ રહી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૪ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૨૭૭૩ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ સિવાય તમામમાં તેજી રહી હતી. ઓટોના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. મેટલ અને પ્રાઇવેટ બેંક કાઉન્ટરોમાં જોરદાર લેવાલી જામી હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૭૬૮૮ રહી હતી. શેરબજારમાં તેજી માટે વૈશ્વિક પરિબળો પણ જવાબદાર રહ્યા હતા.
એશિયન શેરબજારમાં પણ તેજીનો માહોલ રહ્યો હતો. મૂડીરોકાણકારોએ એવી આશા રાખી છે કે, બ્રિટનને હજુ પણ યુરોપિયન યુનિયનમાંથી બાદબાકીને ટાળવાની તક રહેલી છે. આ સપ્તાહમાં મહત્વપૂર્ણ બેઠકો યોજાનાર છે. એશિયન શેરબજારમાં આજે તેજી રહી હતી. ઓસ્ટ્રેલિયન શેરમાં ૦.૧૭ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે જાપાનના નિક્કીમાં ૧.૮૬ ટકાનો ઉછાળો રહ્યો હતો. બીજી બાજુ આજે વિપ્રો દ્વારા તેના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. વિપ્રોએ તેના નેટ નફામાં વાર્ષિક આધાર પર ૩૫.૧ ટકાનો વધારો નોંધાયો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બીજા ત્રિમાસિક ગાળામાં નેટ નફો ૨૫૫૨.૬ કરોડ રહ્યો છે. આ આંકડો ૬.૯ ટકા સુધી વધ્યો છે જ્યારે સીસીની દ્રષ્ટિએ રેવેન્યુ ગ્રોથને ગણવામાં આવે તો આ આંકડો ૧-૧નો રહ્યો છે. આ ગાળા દરમિયાન ગ્રોથ રેવેન્યુનો આંકડો ચાર ટકા સુધી વધીને ૧૫૧૩૦ કરોડનો રહ્યો છે. તેજીનો માહોલ હવે જારી રહી શકે છે. કંપની દ્વારા આજે તેના આંકડા જારી કરવામાં આવે તે પહેલા જ વિપ્રોના શેર ધારકોની નજર રહી હતી. આ ત્રિમાસિક ગાળા દરમિયાન વિપ્રો દ્વારા અગાઉ મંજુર કરવામાં આવેલી દરખાસ્ત મુજબ ૩૨૩.૧ મિલિયન ઇક્વિટી શેરની બાયબેકની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ૧૬મી એપ્રિલ ૨૦૧૯ના દિવસે આ બેઠક યોજાઈ હતી જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા મંજુરી આપવામાં આવી હતી.