સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન પહોંચતું કરતા અક્ષય પાત્ર સંસ્થામાં કામ કરતા સમયે મશીનમાં આવી જતાં મહિલાને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. આ મહિલા કર્મચારીને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાની માંગ સાથે સાથી કર્મચારીઓ સવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જોકે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના મેનેજમેન્ટે મહિલાને યોગ્ય સારવાર આપવાની બાંહેધારી આપતા કર્મચારીઓએ આજે હડતાળ સમેટી લીધી છે. અને આજે બાળકોને ભોજન પહોચાડ્યું હતું.
વડોદરા શહેરના ગોત્રી હરીનગર પાસે ધરમપુરામાં આવેલી અક્ષય પાત્ર સંસ્થામાં મંથરાબહેન ભોઇ (ઉં.વ.૪૦) ભોજન બનાવવાનું કામ કરે છે. તા.૬ ઓક્ટોબરના રોજ મોડી રાત્રે તેઓ લાડુ બનાવવાનું કામ કરતા હતા. તે સમયે એકાએક તેઓની સાડીનો છેડો મશીનમાં આવી જતાં મશીનમાં ખેંચાઇ ગયા હતા.
મશીનમાં આવી ગયેલા મંથરાબહેનને માથામાં ગંભીર પહોંચી હતી. મેનેજમેન્ટ દ્વારા તુરંત જ તેઓની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હાલમાં સારવાર લઇ રહેલી મહિલા કર્મચારીની હાલત નાજુક છે.